ઈ.સ. 1945 થી લઈને 1985 સુધી આપણી ગુજરાતી પ્રાદેશિક ફિલ્મોનો સુવર્ણકાળ કોને યાદ નહીં હોય! આજની પેઢી ગુજરાતી ભાષા પ્રત્યે સભાન નથી તે વાત વાસ્તવિક છે. પણ આપણે નવરાત્રીમાં જે ગીતો અને ગરબાના તાલે ઝૂમિએ છીએ એ ગીતો ખરેખર કોણે ગાયાં છે એના અતિત વિશે અહીં વાત કરવી છે. જે લોકો હાલમાં 60નો દશકો વટાવી ચૂક્યાં છે એ લોકો ‘હું અમદાવાદનો રીક્ષાવાળો’ જેવું ગીત ક્યારેય નહીં ભૂલ્યાં હોય, એક રીક્ષામાં અસરાની માત્ર પાંચ મીનિટના એક ગીતમાં આખા જુના અમદાવાદની સફર કરાવે છે. આ ગીત એ સમયનું સૌથી સુપરહીટ ગીત હતું. અવિનાશ વ્યાસ, દિલીપ ધોળકિયા, ગૌરાંગ વ્યાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા સંગીતકારોનું એ સંગીત આપણા ગુજરાતી પણાને હજીએ ઉજાગર કરી રહ્યું છે.
આ ગીત 1977માં રીલીઝ થયેલી ફિલ્મ “મા બાપ”નું છે. તેનું સંગીત અવિનાશ વ્યાસે આપ્યું છે અને સ્વર બોલિવૂડના મહાન ગાયક કિશોર કુમારનો છે. એવી જ રીતે એક અન્ય ગીતની વાત કરીએ 1976માં રીલીઝ થયેલી સુપરડુપર હીટ ફિલ્મ ‘સંતુ રંગીલી’ના એક ગીતની વાત કરીએ તો એ ફિલ્મનું ગીત ‘મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી’ તો હજીએ વડીલોના હૈયામાં ગૂંજતું રહે છે. આ ગીતના લેખક અને સંગીતકાર અવિનાશ વ્યાસ છે તો એને પણ કંઠ કિશોર કુમારે આપ્યો છે. કિશોર કુમારના એક અન્ય ગીતની વાત કરીએ તો 1978ની ‘મોટા ઘરની વહુ’ ફિલ્મમાં ‘ઓરી આવે તો તને વાત કહું ખાનગી તું ગરમ મસાલેદાર ખાટી-મીઠી વાનગી’ પણ એ સમયનું લોકપ્રિય ગીત હતું જે આજે પણ નવરાત્રીમાં ધમાલ મચાવે છે.
ગુજરાતી ગીતોમાં માત્ર પ્રફૂલ્લ દવે કે ભીખુદાન ગઢવી અને દિવાળી બેન ભીલ જ નહીં, ગુજરાતી બોલતા પણ નથી આવડતું એ બોલિવૂડના ગાયકોને લોકોએ એ સમયે અનેક હીટ ગુજરાતી ગીતો ગાયાં હતાં. પશ્મિમ બંગાળના ખ્યાતનામ ગાયક મન્ના ડે, મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે, લતા મંગેશકર, ઉષા મંગેશકર, મુકેશ, મહંમ્મદ રફી જેવા ગાયકોએ અનેક ગીતોમાં પોતાનો સ્વર આપીને ગુજરાતીઓને ઝૂમતા કરી દીધા હતા. એ સમયના કેટલાય ગીતો હાલમાં પણ નવી પેઢીની જીભ પર લહેરાઈ રહ્યાં છે.
નવરાત્રીમાં ‘ચરરર ચરરર મારૂ ચકડોળ ચાલે’ જેવા ગીત પર ઝૂમી ઉઠીએ છીએ એ 1956ની ‘મળેલા જીવ’નું ગીત મન્ના ડેએ ગાયું છે અને અવિનાશ વ્યાસે તેને સ્વરાંકિત કર્યું છે. 1986માં આવેલી ફિલ્મ સાત કેદીનું ‘હુ તૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ  જામી રમતની ઋતુ’ ગીત મહેન્દ્ર કપૂર અને મન્ના ડે એ ગાયું છે. મુકેશની વાત કરીએ તો તેમણે ઘણા ગુજરાતી ગીતો ગાયાં છે. ‘પંખીડાને આ પીંજરુ જુનુ જુનુ લાગે’ ભજન મૂળ મુકેશના સ્વરમાં છે. 1962માં આવેલી ફિલ્મ કંકુ અને કન્યાનું ‘આવતાં જતાં જરા નજર તો નાંખતા જજો બીજુ તો કાંઈ નહીં પરંતુ કેમ છો કહેતા જજો’ ગીત અવિનાશ વ્યાસના સંગીત નિર્દેશન હેઠળ મુકેશ અને આશા ભોંસલેની જોડીએ ગાયું છે. ‘આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો’ લતા મંગેશકરે ગાયું છે. આવા અનેક હીટ ગીતો બિન ગુજરાતી બોલિવૂડ ગાયકોની ભેટ છે. આપણે ગુજરાતીઓ આપણી માતૃભાષાને તો પ્રેમ કરતાં શિખીએ!

LEAVE A REPLY