ભારતીય સુપ્રીમ કોર્ટના ચાર સૌથી સિનિયર જજીસે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રા સામે આક્ષેપો કરી ભારતની લોકશાહી ભયમાં મુકાઇ હોવાનો દાવો કરતાં ખળભળાટ મચી ગયો છે. શુક્રવાર, 12 જાન્યુઆરીએ બપોરે અચાનક ચાર જજીસે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી, જે પોતે એક ઐતિહાસિક, અભૂતપૂર્વ ઘટના હતી. ન્યાયતંત્રમાં જજીસ ક્યારે ય મીડિયા સાથે કોઈ વાતચિત કે સંવાદ કરતા નથી હોતા. આ ચારેય મહાનુભાવોએ જો કે, મીડિયાને વિવાદની કોઈ ખાસ વિગતો આપી નહોતી, ફક્ત એટલું કહ્યું હતું કે દેશની સર્વોચ્ચ અદાલતના વહિવટમાં બહું સમુસુતરૂં નથી ચાલી રહ્યું. તેમણે મીડિયા પ્રતિનિધિઓને ફક્ત એટલું જ કહ્યું હતું કે, તેઓએ થોડા મહિલા અગાઉ પણ પોતાની લાગણીઓ ચીફ જસ્ટીસ સમક્ષ એક પત્ર પાઠવીને રજૂ કરી હતી, પછી એ જ દિવસે સવારે પણ એક મુદ્દા બાબતે ચીફ જસ્ટીસ સમક્ષ રજૂઆત કરી હતી, પણ બન્ને પ્રસંગે તેમને કોઈ સાનુકુળ પ્રતિભાવ નહીં મળતાં તેઓને એવું લાગ્યું હતું કે હવે આ સ્થિતિને તેઓ ચિંતાજનક ગણે છે અને તેથી પોતે પોતાની ફરજ સમજી લોકોને તેનાથી વાકેફ કરવા આ પગલું લીધું છે.
સરકાર અને ચીફ જસ્ટીસ, બાર કાઉન્સીલ વગેરે ચોંકી ગયા હતા. ચીફ જસ્ટીસ પણ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે એવી જાહેરાત કરાઈ હતી, પણ પછી તેમણે એ માંડી વાળ્યું હતું.
યા દીપક મિશ્રા સામે આક્ષેપો કરતાં તેમજ ભારતની લોકશાહી ભયમાં મુકાઇ હોવાનો દાવો કરતાં ખળભળાટ મચી ગયો છે. આ ચાર જજમાં જસ્ટિસ જે. ચેલામેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એમ. બી. લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફનો સમાવેશ થાય છે. અમે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને મળીને સુપ્રીમ કોર્ટમાં સર્જાયેલી મુશ્કેલીઓ મુદ્દે વાત કરી હતી. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રા પછી સિનિયોરિટીની દૃષ્ટિએ બીજા નંબરના જસ્ટિસ જે. ચેલામેશ્વરે મીડિયા સમક્ષ સુપ્રીમ કોર્ટની મુશ્કેલીઓ મૂકતા કહ્યું હતું કે, આ એક અભૂતપૂર્વ ઘટના છે. છેલ્લાં કેટલા મહિનાઓથી સુપ્રીમ કોર્ટનું વહિવટી તંત્ર યોગ્ય રીતે નથી ચાલી રહ્યું. આશરે બે મહિના પહેલાં જ અમે ચારે જજીસે ચીફ જસ્ટિસને પત્ર લખીને આ વાત જણાવી હતી. જોકે, અમે તેમને અમારો મુદ્દો સમજાવવામાં નિષ્ફળ રહ્યા. આ મુદ્દા કેટલાક કેસ એસાઇન્મેન્ટ બાબતે હતા. સુપ્રીમ કોર્ટ જેવી બંધારણીય સંસ્થામાં જ આવું થશે તો દેશનું લોકશાહી માળખું ધ્વસ્ત થઈ જશે. એટલે જ અમે અમારી વાત રાષ્ટ્ર સમક્ષ મૂકવાનો નિર્ણય લીધો.
આઝાદી પછી પહેલીવાર સુપ્રીમ કોર્ટના જજીસે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને દેશ સમક્ષ પોતાનો મુદ્દો રજૂ કરવાની ફરજ પડી છે. ત્યાર બાદ પત્રકારોએ સવાલ કર્યો હતો કે, તમે કયા કેસ એસાઈન્મેન્ટ વિષે ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો. શું આ મુદ્દો સીબીઆઈના જસ્ટિસ લોયાના શંકાસ્પદ મૃત્યુનો હતો? તેના જવાબમાં જસ્ટિસ જોસેફ કુરિયને કહ્યું હતું કે, હા, તે પણ એક મુદ્દો છે. અમે ચીફ જસ્ટિસને લખેલા પત્રની નકલ તમને આપીશું. તેના પરથી મામલો સ્પષ્ટ થઈ જશે કે, અમારે કયા કયા કેસમાં ચીફ જસ્ટિસ સામે મતભેદ છે. જસ્ટિસ ચેલામેશ્વરે કહ્યું હતું કે, હવે વીસ વર્ષ પછી કોઈ એમ ન કહી જાય કે, સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના તમામ જજીસે તેમના આત્મા વેચી દીધા હતા, એટલે અમે આ પત્ર મીડિયા સમક્ષ જાહેર કરીએ છીએ. ભારત સહિત કોઈપણ લોકશાહી દેશમાં સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થાનું કામ યોગ્ય રીતે ચાલે એ ખૂબ જરૂરી છે.
હવે આ પત્ર મુદ્દે રાષ્ટ્રએ વિચાર કરવાનો છે. ત્યાર પછી ચારેય જજે સાત પાનાનો પત્ર જાહેર કરતા કહ્યું હતું કે, કોઈ પણ દેશના ન્યાયતંત્રમાં ચીફ જસ્ટિસ પણ બધાની જેમ સરખા છે. તેઓ પણ કોઈથી વધુ કે ઓછું મહત્ત્વ ધરાવતા નથી. એ પણ અમારાે મુદ્દો છે, જે અમે દેશ સમક્ષ રજૂ કરી દીધા છે. આ પ્રેસ કોન્ફરન્સ પછી તુરંત જ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રાએ એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલને મીટિંગ માટે બોલાવ્યા હતા.
પત્રમાં ઉઠાવેલા મુખ્ય વાંધા
સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજીસે ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રાને સાત પાનાનો એક પત્ર લખીને વિવિધ કેસમાં મતભેદો મુદ્દે ફરિયાદ કરી હતી. તેમણે મીડિયાને એ પત્રની નકલ આપી હતી. પત્રમાં જજીસે સીજેઆઈ મિશ્રા સામે ઉઠાવેલા મુખ્ય વાંધા આ પ્રમાણે છેઃ
ચારેય જજે પત્રની શરૂઆતમાં જ સીજેઆઈ દીપક મિશ્રા સામે સનસનાટીભર્યો આરોપ મૂક્યો છે કે, હાલની ન્યાયિક વ્યવસ્થામાં જુદા જુદા કેસ તેના મેરિટ પ્રમાણે ડીલ નથી કરાતા. સુપ્રીમના રોસ્ટર (એક પ્રકારની ફાઈલ)માં રજૂ કરાયેલા વિવિધ કેસ તેના મેરિટ પ્રમાણે જ જે-તે બેન્ચને સોંપવામાં આવે, પરંતુ આજકાલ આ નિયમનું પાલન થતું નથી. છેલ્લાં ઘણાં સમયથી ચીફ જસ્ટિસ અનેક કેસ પોતાની પસંદગીની બેન્ચને સોંપી રહ્યા છે, જેની દેશ અને ન્યાયતંત્ર પર દૂરગામી અસર પડી શકે છે. સુપ્રીમ કોર્ટ પાસે અમારી અપેક્ષા હતી કે, બેન્ચને સોંપાતા દરેક કેસની વહેંચણી તર્કસંગત રીતે થાય. ખુદ સીજેઆઈ આ પ્રકારના મામલામાં ઓથોરિટીની જેમ આદેશ ના કરી શકે. આ નિયમની અવહેલના અશોભનીય છે.
મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર
હવે હાઈકોર્ટ્સમાં જજીસની નિયુક્તિ માટે મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર (એમઓપી) ઘડવામાં પણ વિલંબ થવો જોઈએ નહીં. અત્યારે કેટલીયે હાઈકોર્ટ્સમાં જજીસની જગ્યાઓ ખાલી પડયા છે. મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર ઘડવામાં વધુ સમય વેડફાવો જોઈએ નહીં તે મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી હતી. ગયા વર્ષે જાન્યુઆરી માસથી સુપ્રીમ કોર્ટ મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર અમલી કરવાનો પ્રયાસ કરી રહી છે.
જસ્ટિસ લુથરા કેસનો ઉલ્લેખ
જસ્ટિસ આર. પી. લુથરાએ હાઈકોર્ટમાં અરજી કરીને અપીલ કરી હતી કે, મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર ઘડયા વિના સુપ્રીમ અને હાઈકોર્ટમાં જજીસની નિમણુંકો થઈ શકે નહીં. હાઈકોર્ટે આ અરજી રદ કરતા જસ્ટિસ લુથરા સુપ્રીમમાં ગયા હતા. આ મુદ્દે ચારેય જજીસે વાંધો ઉઠાવ્યો છે કે, આ કેસ બંધારણીય બેન્ચ સિવાયની કોઈ બેન્ચને કેવી રીતે સોંપી શકાય? મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર સાથે સંકળાયેલા સુપ્રીમ કોર્ટ એડવોકેટ ઓન રેકોર્ડ એસોસિયેશન વિરુદ્ધ ભારત સરકારનો કેસ ૨૦૧૬માં બંધારણીય બેન્ચને સોંપવામાં આવ્યો હતો. ચારેય જજે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, સીજેઆઈએ વિવિધ બેન્ચને સોંપેલા કેસ વિષે બહુ વિગતવાર વાત નથી કરતા કારણ કે, તેનાથી સુપ્રીમ કોર્ટની સંસ્થા માટે શરમજનક સ્થિતિ ઉભી થશે. જોકે, આ પ્રકારની નીતિરીતિથી સુપ્રીમ કોર્ટની ગરિમાને કેટલાક અંશે ઝાંખપ લાગી ચૂકી છે.
જસ્ટિસ કર્ણનનો ઉલ્લેખ
જસ્ટિસ કર્ણનના કેસમાં ચોથી જુલાઈ, ૨૦૧૭ના રોજ જસ્ટિસ જે. ચેલામેશ્વર અને રંજન ગોગોઈએ અલગથી ચુકાદો લખીને કહ્યું હતું કે, આ સમસ્યા મુદ્દે અમારું માનવું છે કે, આપણે જજીસની નિયુક્તિના કેસમાં પસંદગીની પ્રક્રિયાની સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે. આ ઉપરાંત જસ્ટિસ કર્ણન જેવા કેસમાં મહાભિયોગ સિવાય બીજા કોઈ કાયદાકીય વિકલ્પનો વિચાર કરવો જોઈએ. આ પ્રકારના મુદ્દે સીજેઆઈ દીપક મિશ્રા પોતાની ભૂલો સુધારે. આ ઉપરાંત કોલીજિયમના બીજા જજીસ સાથે પણ વાત કરે અને જરૂર પડયે સાથી જજીસના સૂચનો સ્વીકારી સુધારાત્મક કાર્યવાહી કરે.
આ ન્યાયતંત્રનો આંતરિક મુદ્દો, અમે દખલ નહીં કરીએ : કેન્દ્ર
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા વિરુદ્ધ મીડિયા સમક્ષ વાત કરનારા ચાર જજીસ મુદ્દે કેન્દ્ર સરકારે કહ્યું છે કે, આ મુશ્કેલીનો ઉકેલ ન્યાયતંત્ર જ લાવી દેશે. આ ચારેય જજ સિનિયર છે, અમે કોઈ જ પ્રકારની દખલ નહીં કરીએ. કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યાનુસાર, ભૂતકાળમાં ક્યારેય આ પ્રકારનું સંકટ આવ્યું નથી. આ મુદ્દે સરકાર રાહ જોશે અને ન્યાયતંત્રને લગતી નીતિ પર નજર રાખશે. કાયદા રાજ્ય પ્રધાન પી. પી. ચૌધરીએ કહ્યું હતું કે, આપણું ન્યાયતંત્ર વિશ્વભરમાં પ્રતિષ્ઠા ધરાવે છે. આપણું ન્યાયતંત્ર સંપૂર્ણ સ્વતંત્ર છે અને તેઓ જાતે જ આ મુશ્કેલીનું નિવારણ લાવી દેશે.
જજીસને બહુ તકલીફ હોય તો રાજીનામું આપીને પ્રજા વચ્ચે જાય: અમિતાભ સિંહા
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને શનિવારે તાકિદની બેઠક બોલાવી હતી. સીટિંગ જજીસના આરોપો પછી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને ભાજપના નેતા અમિતાભ સિંહાએ કહ્યું હતું કે, સુપ્રીમમાં કુલ ૨૩ જજ છે, જેમાંથી ફક્ત ચારને જ સમસ્યા છે. આ જજીસને એક્ટિવિસ્ટ બનવું છે. તેમણે રાજીનામું આપી પછી પ્રજાની વચ્ચે જવું જોઈએ. સુપ્રીમ કોર્ટની ગરિમા આ ચાર જજીસના કારણે ખરડાઈ છે એવો દાવો કરીને સિંહાએ કહ્યું હતું કે, આટલી બધી મુશ્કેલી હોય તો ચારેય જજે રાજીનામું આપીને પ્રજા વચ્ચે જવું જોઈએ. આજે પ્રશાંત ભૂષણ અને આ જજીસ વચ્ચે કોઈ ભેદ નથી રહ્યો.
વડાપ્રધાનના મુખ્ય સચિવનો ચીફ જસ્ટિસને મળવા પ્રયાસ
શુક્રવારે ચગેલો વિવાદ શાંત કરવા સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ નૃપેંદ્ર મિશ્રાને CJI દિપક મિશ્રાને મળવા મોકલ્યા હતા. આ અંગે વિવિધ અટકળો વહેતી થઇ હતી. જો કે, ચીફ જસ્ટીસે મળવાનો ઈનકાર કરતાં નૃપેન્દ્ર મિશ્રાને ખાલી હાથે પાછા ફરવાનું થયું હતું.