પાસના કન્વિનર હાર્દિકની ચાર કથિત દારુપાર્ટી અને સેક્સ વીડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ વીડિયો ક્લિપમાં હાર્દિક અને તેના કેટલાક નજીકના સાથીદારો દેખાઈ રહ્યા છે. જોકે આ વીડિયોની ખરાઈ અને વિશ્વસનિયતા હજુ સધી સાબિત થઈ નથી.તેમ છતા વાયરલ થયેલી ચાર પૈકી એક વીડિયો ક્લિપ ખૂબ જ વિવાદીત બની ગઈ છે. કેમ કે તેમાં પાટીદાર આગેવાન હાર્દિક આંદોલન દરમિયાન કથિત પોલીસ અત્યાચારના કારણે મૃત્યુ પામેલા યુવાનોને શહીદ ગણાવીને સરકારનો વિરોધ કરવા મુંડન કરાવ્યા બાદ પાર્ટી કરતો જોવા મળી રહ્યો છે.  હાર્દિકે કહ્યું કે, ‘આ વીડિયો ક્લિપ પાછળ ભાજપ છે અને તેઓએ મારા રાઇટ ટુ પ્રાઇવસીના મૂળભૂત અધિકારનું હનન કર્યું છે. ભાજપને પહેલાથી જ બીજાના વ્યક્તિગત જીવનમાં ડોકિયું કરવાની આદત છે. તેમના 22 વર્ષના વિકાસની પોકળતા લોકો સામે આવવા લાગતા હવે તેઓ 23 વર્ષના છોકરાને એક્સપોઝ કરવાની વેતરણ કરી રહ્યા છે. હું મારા વકીલ સાથે આ અંગે વાતચીત કરીને ખૂબ જ જલ્દી મારી સામે આ પ્રકારનું કામ કરનાર વિરુદ્ધ ફરીયાદ નોંદાવીશ. હાર્દિકે વધુમાં કહ્યું કે, ‘આ પ્રકારની હરકત બીજુ કંઈ નહીં પરંતુ મારી છબી ખરડવાનો પ્રયાસ માત્ર છે. તેનાથી પાટીદાર આંદોલનને કોઈ ફરક નહીં પડે. જો હું ખરાબ વ્યક્તિ હોઉં તો પણ તેનાથી અમારી પાટીદારો માટેની OBCની માગણી અને આંદોલનમાં કોઈ ફરક નહીં પડે. ઉપરથી આંદોલન વધુ ઉગ્ર બનશે.  કોંગ્રેસ આ મુદ્દે એકદમ જ હાર્દિકના બચાવમાં કૂદી પડી છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહે કહ્યું કે, ‘ભાજપ ગંદી રાજનીતિ કરી રહ્યું છે. જ્યારે પણ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ હારને ભાળી જાય છે ત્યારે વિરોધીઓની છબી ખરડી નાખવી તેમની જૂની આદત છે.’ જ્યારે કોંગ્રેસના ગુજરાત પ્રભારી અશોક ગેહલોતે કહ્યું કે, ‘હાર્દિકે તો પહેલાથી જ કહ્યું હતું કે ભાજપ તેની છબી ખરડવા ગમે તે કરી શકે છે. આ તેની અંગત બાબત છે.