બજાર નિયામક સેબીએ ગયા સપ્તાહે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ માટે કડક નિયમો લાગુ કર્યા હતા, જે મુજબ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ (CRA)એ વધારે ડિસ્ક્લોઝર આપવા પડશે. કંપનીની નાણાકીય તરલતાની સ્થિતિ વણસી જાય તો તેનું ખાસ વિશ્લેષણ કરવાનું રહેશે અને એસેટ-લાયેબિલિટી વચ્ચે અસંતુલન જણાય તો રેટિંગની સમીક્ષામાં તેને ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. આ પગલાંથી રોકાણકારો જે-તે કંપનીમાં રોકાણ કરતાં પહેલાં રેટિંગની વિગતો વધુ સારી રીતે સમજી અને જાણી શકશે અને રોકાણ અંગેનો નિર્ણય વધુ સારી રીતે લઈ શકશે..
ક્રેડિટ રેટિંગ એજન્સી (CRA)ની પ્રેસ રિલિઝમાં હવેથી લિક્વિડિટી અંગે એક ચોક્કસ સેક્શનનો સમાવેશ કરાશે જેમાં લિક્વિડ ઇન્વેસ્ટમેન્ટ અથવા કેશ બેલેન્સ, અનલિસ્ટેડ ક્રેડિટ લિક્વિડિટી કવરેજ રેશિયો, પાકતી મુદ્દતે ચુકવવા માટે પૂરતા પ્રમાણમાં કેશ ફ્લો, વગેરેને ધ્યાનમાં લેવામાં આવશે. CRA ટૂંકાગાળાના ઋણની ચૂકવણીની શરતો પૂરી કરવા અન્ય કોઈ બાહ્ય સહાય લીધી છે કે કેમ તેની વિગત પણ આપવી પડશે..
હવેથી CRAએ માહિતી પૂરી પાડવી પડશે કે સમયસર ઋણની ચૂકવણી કરી શકાય તે માટે ફંડની અપેક્ષા અંગે પેરન્ટ, ગ્રૂપ કે સરકારના સહયોગને રેટિંગ આપતી વખતે ધ્યાનમાં લેવામાં આવ્યા છે કે નહીં.
તેમણે આવી અપેક્ષાઓના તર્ક ઉપરાંત આવી એન્ટીટીના નામ જાહેર કરવા પડશે. સેબીએ જણાવ્યું હતું કે CRAએ ઇશ્યૂઅર (કંપની)ની ક્રેડિટની વિશ્વસનીયતા પર અસર કરે તેવા પરિબળો પર નજર રાખીને તેનું વિશ્લેષણ કરવાનું રહેશે. તેમણે રેટિંગ આપવા માટે રેટિંગ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી રેટિંગ નોટમાં તેની ચર્ચા પણ કરવાની રહેશે. આવા સંબંધિત પરિબળોને રેટિંગ એક્શન અંગેની પ્રેસ રિલિઝમાં પણ ઉમેરવા પડશે. જ્યારે પેટાકંપનીઓ અથવા ગ્રૂપ કંપનીઓને એક રેટિંગ પર પહોંચવા માટે કોન્સોલિડેટ કરવામાં આવે ત્યારે આવી તમામ કંપનીઓ તથા કોન્સોલિડેશનના પ્રમાણ (ફુલ, પ્રમાણસર કે મોડરેટ) વિશે પણ માહિતી CRA દ્વારા આપવાની રહેશે..
ઉલ્લેખનીય છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસીઝ (IL&FS) ડિફોલ્ટ થઈ તે પછીથી ક્રેડિટ રેટિંગ એજન્સીઓની કામગીરી પણ શંકાના ઘેરમાં આવી ગઈ છે અને સેબીએ તેમના પર પણ અંકુશ માટેની કવાયત શરૂ કરી દીધી છે. સેબીના જણાવ્યા અનુસાર રેટિંગ એજન્સીઓએ જે ધારાધોરણો-માપદંડો અનુસાર રેટિંગ આપ્યું હોય તેની સમયાંતરે સમીક્ષા કરવાની રહેશે. જે-તે કંપનીની હોલ્ડિંગ કંપની અને સબસિડરીનું પણ મૂલ્યાંકન કરતા રહેવું પડશે. IL&FSએ સંખ્યાબંધ સબસિડરી ઊભી કરી દીધી હતી અને તે પૈકી અનેકમાં નાણાકીય ગેરરીતિ માલૂમ પડી હતી. તેમ છતાં તેનું રેટિંગ યથાવત્ રાખવામાં આવ્યું હતું. સેબીના નવા નિયમો અંતર્ગત રેટિંગ એજન્સીઓએ કંપનીના દેવાના સાધનો(ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ)માં બોન્ડમાં બેન્ચમાર્કની સામે મોટાપાયે ફેરફારને નક્કર ઘટનાક્રમ તરીકે દર્શાવીને તેની સમીક્ષા કરવાની રહેશે..