કેલેન્ડર વર્ષ 2019ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે વૈશ્વિક બજારમાં સોનાની માંગ આગલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ સાત ટકા વધીને 1,053.3 ટન નોંધાઈ હતી. મધ્યસ્થ બેન્કો દ્વારા ઊંચી ખરીદી તથા સોનાનું પીઠબળ ધરાવતાં એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં વૃદ્ધિને કારણે આ વધારો નોંધાયો હતો તેમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક અહેવાલમાં જણાવાયું હતું.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના પ્રથમ ત્રિમાસિક ગાળાના ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ રિપોર્ટ પ્રમાણે 2019ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સમગ્રતયા માંગ 984.2 ટન નોંધાઈ હતી. આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન મધ્યસ્થ બેન્કો દ્વારા સોનાની ખરીદીમાં 68 ટકાનો વધારો નોંધાયો હતો જે વધીને 145.5 ટન નોંધાયો હતો જેની સરખામણીએ એક વર્ષ અગાઉના સમાન ગાળા માટે 86.7 ટન સોનાની ખરીદી કરવામાં આવી હતી, જે 2013 પછી સૌ પ્રથમવાર વર્ષની મજબૂત શરૂઆતનું પ્રતિનિધિત્વ કરે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ, ભારતના મેનેજિંગ ડિરેક્ટર, સોમસુંદરમ્ પીઆરએ જણાવ્યું હતું કે, મધ્યસ્થ બેન્કોએ રશિયાની આગેવાની હેઠળ સોનાની ખરીદી કરી હતી જેણે 55.3 ટન સોનાનો ઉમેરો કર્યો હતો, જ્યારે તેના પછીના ક્રમે ચીને 33 ટન સોનાની ખરીદી કરી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ આ સમયગાળા દરમિયાન 8.4 ટન સોનાની ખરીદી કરી હતી. આની પાછળનો મુખ્ય ઉદ્દેશ વૈવિધ્યીકરણ તથા સુરક્ષિત અને પ્રવાહી અસ્કામત માટેની ઇચ્છા હતી.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના માર્કેટ ઇન્ટેલિજન્સના વડા એલિસ્ટર હેવિટ્ટે જણાવ્યું હતું કે, 2019ની શરૂઆતમાં ઇક્વિટી અને ડેટ માર્કેટ એમ બન્નેમાં રોકાણકારોના માનસમાં તીવ્ર સુધારો જોવાયો હતો, પરંતુ સોના માટેની ભૂખ મજબૂત જળવાઈ રહી હતી. પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન મધ્યસ્થ બેન્કોએ તેમના સોનાના હોલ્ડિંગમાં વધારો કરવાનું જાળવી રાખ્યું હતું જ્યારે ઇટીએફમાં આવતા નાણાપ્રવાહમાં પણ 2018ના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીએ વધારો નોંધાયો હતો.
2019ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે કુલ ઇન્વેસ્ટમેન્ટ માંગ ત્રણ ટકા વધીને 291.1 ટન નોંધાઈ હતી જેની સરખામણીએ 2018ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે 288.4 ટનની માંગ હતી. ઇટીએફ અને સમાન પ્રોડક્ટ્સે જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળા દરમિયાન 40.3 ટનનો ઉમેરો કર્યો હતો જે પાછલા વર્ષની તુલનાએ 49 ટકાનો વધારે હતો.
સોનાના બિસ્કિટ તથા સિક્કામાં કરવામાં આવતું રોકાણ એક ટકા ઘટીને 257.8 ટન નોંધાયું હતું. આની પાછળનું મુખ્ય કારણ ચાઇનીઝ માંગમાં ઘટાડો તથા જાપાનમાં ડિસઇન્વેસ્ટમેન્ટ હતું. ઇટીએફમાં યુરોપનું રોકાણ વિક્રમ ઊંચી સપાટી પર પહોંચી ગયું હતું અને આ ત્રિમાસિક ગાળાના આંકડા દર્શાવે છે કે જે પરિબળો રોકાણને વેગ આપી રહ્યા છે તે રોકાણ માટેની માંગને મજબૂત કરવાનું જાળવી રાખશે