લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસમાંથી નેતાઓનો ભાજપમાં જોડાવાનો સિલસિલો આગળ ધપી રહ્યો છે. આવા જ એક આશ્ચર્યજનક પગલામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ટોમ વડક્કને ગુરુવારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો છે. વડક્કનની ભાજપમાં સત્તાવાર એન્ટ્રી બાદ તેમણે ભારતીય લશ્કરની નિષ્ઠા સામે સવાલો ઉભા કરવા મામલે કોંગ્રેસની ટીકા કરી હતી. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદની હાજરીમાં ટોમ વડક્કન ભાજપમાં જોડાયા હતા તેમજ બાદમાં તેમણે ભાજપ અધ્યક્ષ અમિત શાહની પણ મુલાકાત લીધી હતી. ટોમ વડક્કને વધુમાં જણાવ્યું હતું કે ‘જ્યારે કોઈ પક્ષ દેશ વિરુદ્ધ પોતાનું વલણ અખત્યાર કરે છે ત્યારે તેને છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ મારી પાસે બચતો નથી….’ વડક્કને બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણા પર હુમલા મામલે કોંગ્રેસના વળણને ટાંકીને આમ જણાવ્યું હતું.