માહિતી અધિકાર કાનૂન અંતર્ગત એક ચોંકાવનારી માહિતી મળી છે. દેશની સૌથી મોટી લોન આપનાર ભારતીય સ્ટેટ બેંક(એસબીઆઈ)માં વર્તમાન નાણાકીય વર્ષના શરુઆતના 9 મહિના એટલે કે એપ્રિલ થી ડિસેમ્બર 2018 દરમિયાન કુલ 7951.29 કરોડ રુપિયાની બેંકિંગ છેતરપિંડીના 1885 કેસ બહાર આવ્યા છે.
મધ્યપ્રદેશના નીમચના રહેવાસી આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રશેખ ગૌડે બુધવારે જણાવ્યું કે, માહિતી અધિકાર અંતર્ગત સ્ટેટ બેંકના એક ઉચ્ચ અધિકારીએ આ માહિતી આપી છે.
તેમણે પોતાની આરટીઆઈ અરજી પર સ્ટેટ બેંકે 25 ફેબ્રુઆરીએ મોકલેલા જવાબના આધારે જણાવ્યું કે, આ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર(એપ્રિલ-જૂન 2018)માં બેંકમાં 723.06 કરોડ રુપિયાની બેંકિંગ છેતરપિંડીના 669 કેસ બહાર આવ્યા. દ્વિતીય ક્વાર્ટર(જુલાઈ-સપ્ટેમ્બર 2018)માં કુલ 4832.42 કરોડ રુપિયાના બેકિંગ છેતરપિંડીના 660 મામલા નોંધાયા છે. આરટીઆઈથી મળેલી જાણકારી અનુસાર વર્તમાન નાણાકીય વર્ષના તૃતીય ક્વાર્ટર(ઓક્ટોબર-ડિસેમ્બર 2018) દરમિયાન સ્ટેટ બેંકમાં 2395.81 કરોડ રુપિયાની બેકિંગ છેતરપિંડીના 556 કેસ નોંધાયા છે.
આરટીઆઈ કાર્યકર્તા ગૌડ પોતાની આરટીઆઈ અરજીમાં એસબીઆઈ પાસેથી એ જાણવા ઈચ્છતા હતાં કે એપ્રિલ-ડિસેમ્બર 2018માં એમના કેટલા ગ્રાહકો બેંકિંગ છેતરપિંડીનો ભોગ બન્યા છે. જોકે, સાર્વજનિક ક્ષેત્રની દિગ્ગજ બેંકે એ પ્રશ્ન પર આરટીઆઈ અધિનિયમ 2005ની કલમ 7(9)નો હવાલો આપીને કહ્યું કે, કાનૂની જોગવાઈ અનુસાર એમને આ વિષયમાં માંગેલી માહિતીનો ખુલાસો કરવાથી મુક્તિ મળેલી છે.