ગુજરાતમાં પૂર્વ મંત્રી હરેન પંડ્યા હત્યા કેસમાં પ્રકાશમાં આવેલી નવી હકીકતોને જોતાં તે કેસમાં તપાસ માટે કરાયેલી નવી અરજી પરનો ચુકાદો મંગળવારે સુપ્રીમ કોર્ટે અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરનાર એનજીઓ CPILના વકીલ શાંતિ ભૂષણ અને સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા દલીદો પૂર્ણ થતા જસ્ટિસ અરૂણ મિશ્રાની વડપણ હેઠલની બેન્ચે ચુકાદો આરક્ષિત રાખ્યો હતો.

ભૂષણે દલીલ કરતા જણાવ્યું હતું કે કેટલીક નવી હકિકતો સામે આવી છે જેને પગલે પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાની ફરીથી તપાસ થવી જોઈએ.

દરમિયાન સોલિસિટર જનરલે એવી દલીલ કરી હતી કે બિન સરકારી સંગઠને PILના ન્યાયઅધિકાર ક્ષેત્રનું રાજકીય હિસાબો માટે ઉલ્લંઘન કર્યું છે.

અગાઉ અરજી અંગે જસ્ટિસ એ કે સીકરી અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની બેન્ચે જણાવ્યું હતું કે આ કેસથી સંબંધિત અપીલ પર એક અન્ય બેન્ચ અગાઉ સુનાવણી કરી ચૂકી છે.

બેન્ચે ઉમેર્યું હતું કે ‘એ જ બેન્ચ આ અરજી પર સુનાવણી કરે તે જ યોગ્ય રહેશે.’ બેન્ચે તેની સાથે જ તેની સુનાવણીની તારીખ 11 ફેબ્રુઆરી નક્કી કરી હતી. અગાઉ જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચે 31 જાન્યુઆરીએ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાના વિરૂદ્ધમાં સીબીઆઇની અપીલ પર સુનાવણી પૂર્ણ કરી લીધી હતી અને આ મામલે પાછળથી ચુકાદો આપવા જણાવ્યું હતું. આ કેસમાં હાઇકોર્ટે તમામ આરોપીઓને મુક્ત કરી દીધા છે.

બિનસરકારી સંગઠન સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન્સ તરફથી વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું કે આ કેસમાં નીચલી અદાલતમાં કેસના ચુકાદા બાદ ચાર નવી હકીકતો પ્રકાશમાં આવી છે અને આવી સ્થિતિમાં નવેસરથી તપાસના આદેશની જરૂર છે.

કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ કેસમાં અરજીની યોગ્યતા પર સવાલ ઊભો કર્યો હતો. બિન સરકારી સંગઠને ગત મહિને સુપ્રીમમાં અરજી દાખલ કરીને કોર્ટની દેખરેખમાં આ હત્યાકાંડની તપાસ કરાવવાનો અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારમાં ગૃહમંત્રી હરેન પંડ્યાની 26 માર્ચ, 2003ના રોજે અમદાવાદના લો ગોર્ડન વિસ્તારમાં હત્યા કરી દેવાઇ હતી. અરજીમાં દાવો કરાયો હતો કે પંડ્યાની હત્યાના કાવતરામાં ડીજી વણઝારા સહિત આઇપીએસ અધિકારીઓની સંડો‌વણીની સંભાવના અંગે નવી જાણકારી પ્રકાશમાં આવી છે, જેમાં સ્પષ્ટ જણાય છે કે આમાં પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને રાજકીય વ્યક્તિઓની સંડોવણી સંભવ છે.