દક્ષિણ ગુજરાતમાં ધમરોળીને ગુજરાત તરફ આગળ વધી રહેલું ‘ઓખી’ વાવાઝોડુ રાજ્યમાં પ્રવેશ કરશે. વાવાઝોડાની અસર સોમવાર રાતથી જ શરૂ થઈ છે. રાજ્યભરમાં ઠેરઠેર અમી છાંટણા થયા હોવાની અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. તો વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ છે અને શિયાળામાં ચોમાસાનો અહેસાસ થઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલા અત્યંત તીવ્ર ચક્રવાત ‘ઓખી’ને પગલે દક્ષિણ ગુજરાતમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાત તરફ ઓખી ફંટાય તો દરિયાકાંઠાના ગામોમાં ચક્રવાતથી ભારે નુકસાન થવાની શક્યતા જણાઈ રહી છે. હાલ તે દક્ષિણ ગુજરાતથી દરિયામાં 800 કિલોમીટર ઉપર સ્થિર છે પરંતુ તે કઈ દિશા તરફ ફંટાય તે કહી શકાય તેમ નથી. જો એ ‘ઓખી’ દક્ષિણ ગુજરાત તરફ ફંટાય તો સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.નવસારી જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાએ તમામ અધિકારીને રાહત-બચાવ કાર્ય માટે એલર્ટ રહેવા જણાવી નુકસાનની પરિસ્થિતિ ઉદભવે તો તાકિદે પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.  ‘ઓખી’ વાવાઝોડાની સંભાવના સંદર્ભના હવામાન વિભાગના અનુમાનો અને સૂચનાઓ સંદર્ભે રાજ્ય સરકારે પ્રભાવિત જિલ્લાને જાણ કરી છે. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર, જામનગર, મોરબી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તેમજ કચ્છ અને દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી અને ભરૂચ જિલ્લાના કલેકટરોને સાવચેતીના પગલાં લેવા સૂચનાઓ આપી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આ જિલ્લાઓના કલેકટરશ્રીઓને વાવાઝોડાનો ખતરો ટળી ન જાય ત્યાં સુધી કોઇપણ માછીમારને માછીમારી કે અન્ય હેતુ માટે દરિયામાં ન જાય તે સુનિશ્ચિત કરવાની સૂચના આપવામાં આવી છે. કોઇપણ વ્યક્તિ દરિયાકાંઠે ન જાય તે માટે જરૂરી તકેદારીના પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે. જરૂરીયાત ઊભી થાય તો વીજ લાઇનોનું તાકીદે પુનઃસ્થાપન, મરામત અને આનુષાંગિક કામગીરી હાથ ધરવા સંબંધિત વીજ કંપનીઓની ટીમો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાની સંભાવનાવાળા વિસ્તારોમાં આવતી નગરપાલિકા, મહાનગરપાલિકાના સંબંધિત જવાબદાર અધિકારીઓ સાથેની ટીમો તૈયાર રાખવા સૂચનાઓ આપવામાં આવી છે.