એર ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પ્રદીપ સિંહ ખારોલાએ કહ્યું હતું કે, એરલાઇને રીટર્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં ભારતી ભોજન પીરસવાની સુવિધા ઊભી કરી છે, જે માટે ફ્લાઇટમાં તેનો પુરતો જથ્થો રાખવામાં આવશે અને રીર્ટન ફલાઇટમાં તે મુસાફરોને જરૂરીયાત મુજબ અપાશે. એર ઇન્ડિયાએ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં કેટરિંગનો ખર્ચ ઘટાડવાના ભાગરૂપે આ પ્રયાસ કર્યો છે. જોકે, ખોટમાં ચાલી રહેલ એરઇન્ડિયાએ આ સુવિધા સ્ટોકહોમ, કોપનહેગન, બર્મિંગહામ અને મેડ્રિડની રીટર્ન ફ્લાઇટમાં શરૂ કરી છે. કહેવાય છે કે વિદેશના શહેરોમાંથી ખરીદેલું ભોજન ભારતમાંથી ખરીદેલા ભોજનની તુલનામાં વધુ ખર્ચાળ છે. ખારોલાએ જણાવ્યું હતું કે, આ ભોજન ભારતમાંથી લેવામાં આવશે અને તેને જરૂર પ્રમાણે તેને ગરમ કરીને પીરસી શકાશે.

વિદેશમાં દર વર્ષે અમારો કેટિરંગ ખર્ચ અંદાજે રૂ. 600થી 800 કરોડ થાય છે. જ્યારે પશ્ચિમી દેશો કરતા ભારતમાં આ ખર્ચ તેનાથી 3થી 4 ગણો સસ્તો થાય છે. આવનારા થોડા મહિનામાં એર ઇન્ડિયા અખાતી દેશોમાં તેની રીટર્ન ફ્લાઇટમાં ભારતમાંથી લીધેલું ભોજન પીરસવાનું શરૂ કરશે. કરકસરના ભાગરૂપે જુલાઇ-2017 એરઇન્ડિયાએ તેની ડોમેસ્ટિક ફ્લાઇટમાં ઇકોનોમી ક્લાસના મુસાફરોને નોન વેજ ભોજન નહીં પીરસવાનો નિર્ણય લીધો હતો. કેટલીક ફ્લાઇટ્સ એવી છે કે જે એક વખત અખાતી દેશો, સિંગાપોર અને યુરોપના કેટલાક દેશોમાં જાય છે, જ્યાં શક્ય હશે તો ભારતમાંથી જ ભોજન મોકલાશે અને આ દિશામાં કામ ચાલી રહ્યું છે. આ બાબતમાં સ્વાદ મહત્ત્વની બાબત છે. તમે ગમે તે કરો પણ યુરોપના કેટરર્સનો સ્વાદ ભારતીય કેટરર્સ સાથે સુસંગત નથી, જે એક વધારાનો લાભ છે. મુખ્ય મુદ્દો એ છે કે ખર્ચમાં ધરખમ ઘટાડો થશે.’ રીટર્ન ફલાઇટમાં જે ભોજન મળશે તેનો સ્વાદ પણ એક સરખો જળવાય રહેશે.

એર ઇન્ડિયા પર 48 હજાર કરોડ દેવું હોવાનો અંદાજ છે અને સરકારે ગયા મે મહિનામાં તેમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો વ્યૂહાત્મક પ્રયાસ કર્યો હતો જે નિષ્ફળ થયો હતો. વર્ષ 2007થી એર ઇન્ડિયાનું ઇન્ડિયન એરલાઇન્સમાં વિલિનિકરણ કરાયું છે ત્યારથી તે ખોટ કરે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા મુજબ ઉંચા વ્યાજ દરનું ભારણ, વધતી સ્પર્ધા, વધુ પડતા એરપોર્ટ યુઝર ચાર્જિસ, એક્સચેન્જ દરોમાં તફાવત, માર્કેટમાં અન્ય વિદેશી વિમાનોની વધુ ક્ષમતા જેવા કારણો એર ઇન્ડિયાની ખોટ માટે જવાબદાર છે.