ભારતીય જનતા પાર્ટીએ તેના ૧૫૦ પ્લસ બેઠકના લક્ષ્યાંકને પાર પાડવા માટે માઇક્રો લેવલ બુથ પ્લાનિંગને આખરી ઓપ આપી દીધો છે. એક સપ્તાહના મહાસંપર્ક અભિયાન બાદ હવે પ્રથમ ચરણની સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો માટે ૨૧મીએ ઉમેદવારી પત્રો ભરાઇ ગયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીયપ્રધાનો સહિત ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોના પ્રચાર પ્રવાસનો આરંભ થશે. ભાજપે આ સ્ટાર પ્રચારકો માટે ચાર હેલિકોપ્ટર અને ત્રણ એરક્રાફ્ટ ભાડે રાખ્યા છે. જેથી સરેરાશ એક દિવસમાં વિવિધ નેતાઓની ત્રણેક જાહેરસભાઓ યોજી કાર્પેટ બોમ્બિંગ કરી શકાય.
ભાજપના પ્રવાસ વિભાગ હાલ મધ્યસ્થ કાર્યાલય સાથે ચૂંટણી પંચ દ્વારા માન્ય થયેલા ૬૦ સ્ટાર પ્રચારકો પૈકીના મહત્તમ નેતાઓને રાજ્યની ૧૮૨ બેઠકો પર તબક્કાવાર રીતે પ્રવાસમાં જોતરવાના પ્લાનિંગમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સૌથી વધારે માંગ છે.
જોકે, હવે વડાપ્રધાન હોવાથી એમના પ્રવાસ પ્લાનિંગ માટે સલામતી સહિતના મુદ્દાઓ મહત્વ ધરાવતા હોવાથી પીએમ મોદીની સભાઓ એવા વ્યૂહાત્મક નગરો, જિલ્લા મથકોએ યોજવામાં આવશે જ્યાં મહત્તમ વિધાનસભાને સાંકળી શકાય.  આ પછી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પ્રવાસ કાર્યક્રમ તૈયાર થઇ રહ્યા છે.
ભાજપ તેની વ્યૂહરચના મુજબ વિપક્ષના રાષ્ટ્રીય નેતૃત્વના પ્રચાર પ્રવાસોના આયોજનને ધ્યાને લેશે. તેમના પ્રચારને કાઉન્ટર કરવા માટે ભાજપ કેન્દ્રીયપ્રધાનો રાજનાથસિંહ, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઇરાની, પ્રકાશ જાવડેકર, રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરારાજે, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યપ્રધાનો, હરિયાણાના સીએમ ખટ્ટર સહિતના અનેક આગેવાનો, રાષ્ટ્રીય નેતાઓની આવશે. ભાજપ વિવિધ સમાજો પર પ્રભાવ ધરાવતા, તેમજ ગુજરાતમાં વસતા વિવિધ ભાષાભાસી સમાજના રાષ્ટ્રીય આગેવાનોને પણ મેદાનમાં ઉતારશે. આ જ રીતે નવેમ્બર માસના અંતમાં બીજા ચરણમાં આવતી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની ૯૩ બેઠકો માટેના પ્રચાર પ્રવાસનો પ્રારંભ થશે. ભાજપ બન્ને ચરણમાં મતદાનના આગલા દિવસે સૌથી વધારે પ્રચાર સભાઓ યોજનાર છે.