બેંક ઓફ ઈંગ્લેન્ડે બ્રિટિશ નાગરિકોને સૂચના આપી છે કે, તેમની પાસે રહેલી પેપરની બનેલી, જુની £10ની નોટો લોકોએ 1લી માર્ચ, 2018 સુધીમાં વાપરી નાખવાની રહેશે, ત્યાર પછી તે નોટ કાયદેસર ચલણમાં રહેશે નહીં. બેંકે સપ્ટેમ્બર 2014માં જ નવી પ્લાસ્ટિકની કે પોલિમરની કહેવાય તેવી નોટ ચલણમાં મુકી દીધી છે, માર્ચ 2018 પછી માત્ર તે જ નોટ ચલણમાં રહેશે. લોકો પાસે જો કે, 1લી માર્ચ પછી જુની પેપર નોટ્સ રહી ગઈ હશે તો તેઓ એ બેંકમાં જમા કરાવી શકશે.
બેંકે નવેમ્બર 2000માં પ્રકૃતિવિદ ચાર્લ્સ ડાર્વિનની તસવીર ધરાવતી £10ની પેપર નોટ રજૂ કરી હતી. હાલમાં આવી 359 પેપર નોટ્સ ચલણમાં હોવાનો અંદાજ છે. તો પોલિમરની બનેલી નવી નોટોનું પ્રમાણ કુલ ચલણમાં લગભગ 55 ટકા જેટલું છે. આ નવી પોલિમરની નોટમાં પહેલીવાર એક ટેક્ટાઈલ ફીચર રજૂ કરાયું છે, તેનો હેતુ અંધ તેમજ નબળી દ્રષ્ટિ ધરાવતા લોકો માટે પણ નોટ પારખવાનું સરળ બનાવવાનો છે. તે ઉપરાંત, આ નવી પોલિમરની બનેલી નોટ્સ વધુ સમય ટકી શકે છે.
આ નવી પોલિમર નોટ રજૂ કરાઈ પછી થોડા સમયમાં તેના કારણે એક વિવાદ પણ ચગ્યો હતો. તેમાં ટેલો કે પ્રાણીની ચરબીનો ઉપયોગ કરાયાના અહેવાલો ચમક્યા પછી બેંક ઓફ ઈંગ્લેન્ડે તે મુદ્દે તપાસ કરવાની ખાતરી આપવી પડી હતી. વેગન્સ અથવા તો સંપૂર્ણપણે શાકાહારી લોકોએ ટેલોનો ઉપયોગ કરતી એ નોટો પાછી ખેંચી લેવાની માગણી કરી હતી, પણ બેંકે આખરે તે નકારી કાઢી હતી. બેંકે અલબત્ત એવું કબૂલ્યું હતું કે, પોલિમરની નોટ્સ બનાવવાની પ્રોસેસમાં નજીવા પ્રમાણમાં ટેલો કે પ્રાણીની ચરબીનો ઉપયોગ થાય છે. બેંક દ્વારા જુની £5ની નોટ્સ પણ રદ જાહેર કરાઈ છે અને હજી જેમની પાસે તે નોટ્સ હોય તે લોકો હવે રૂબરૂમાં કે પછી પોસ્ટથી બેંક ઓફ ઈંગ્લેન્ડને પોસ્ટથી તે મોકલી આપી બદલી શકે છે. પોસ્ટથી મોકલવા ઈચ્છતા લોકોએ એક ફોર્મ પણ સાથે ભરીને તે પાંચ પાઉન્ડની નોટ્સ ડીપાર્ટમેન્ટ નેક્સ, બેંક ઓફ ઈંગ્લેન્ડ, થ્રેડનીડલ સ્ટ્રીટ, લંડન EC2R 8AH ખાતે મોકલી આપવાની રહેશે. જુના £1ના કોઈન્સ (સિક્કા) પણ જેમની પાસે પડ્યા હોય તે લોકો હવે માર્કેટમાં તેનો ઉપયોગ કરી શકતા નથી પણ, ચેરિટીઝને ડોનેશનમાં તે આપી શકાય છે અથવા તો લોકો પોતાના બેંક એકાઉન્ટમાં તે જમા કરાવી શકે છે.