ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાને એક જાણીતા સેલિબ્રિટી ચેટ શોમાં અભદ્ર ટિપ્પણી કરવાનું ભારે પડી ગયું છે. જો કે આ શોમાં તેણે કહેલા શબ્દોથી હોબાળો મચ્યો હતો. આટલું જ નહીં ભારતીય ક્રિકેટ બોર્ડે પણ આની ગંભીર નોંધ લીધી હોવાથી અંતે હાર્દિક પંડ્યાની શાન ઠેકાણે આવી હતી અને તેણે ટ્વિટર પર આવા નિવેદન બદલ માફી માંગતું ટ્વીટ પણ કર્યું હતું. બીસીસીઆઈએ આ હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ બન્ને ક્રિકેટર્સને બુધવારે કારણ દર્શાવો નોટિસ ફટકારી છે. આ બન્ને ક્રિકેટર્સને કારણ દર્શાવો નોટિસ આપવામાં આવી છે અને 24 કલાકમાં તેમને જવાબ આપવા જણાવાયું છે તેમ બીસીસીઆઈની વહીવટી સમિતિના ચેરમેન વિનોદ રાયે જણાવ્યું હતું.
સેલિબ્રિટી ચેટ શો કોફી વીથ કરણમાં હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ બન્નેએ હિસ્સો લીધો હતો. આ શોમાં બન્ને ક્રિકેટર્સે મહિલાઓ પ્રત્યે તેમના વર્તન અંગે ટિપ્પણી કરી હતી. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ પોતાના જાતિય સંબંધો વિશે તેના પરિવારને જણાવવાની વાત રજૂ કરી હતી. આમ બન્ને ક્રિકેટર્સના નિવેદનને લઈને ફેન્સ ઘણા નિરાશ થયા હતા. જો કે હાર્દિક પંડ્યાને પોતાના શબ્દો પ્રત્યે મોડે મોડે અહેસાસ થતા તેણે ટ્વિટર પર ટ્વીટ કરીને માફી માંગતું નિવેદન કર્યું છે. પંડ્યાએ જણાવ્યું હતું કે, ‘આ શોમાં તે બહેકી ગયો હતો અને તેના બદલ તે દિલગીર છે,’ પંડ્યાએ સ્પષ્ટતા કરી કે, ‘તેનો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો નહતો.’ જો કે હવે આ બન્ને ક્રિકેટર્સે ચેટ શોમાં કરેલા સ્ટેટમેન્ટને ભારતીય ક્રિકેટ બોર્ડે ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ આ મામલે જણાવ્યું કે, પંડ્યાએ મહિલાઓના સન્માન કરવાને બદલે કેવા શબ્દોનો પ્રયોગ કર્યો તેના કરતા આ બાબત એટલા માટે વધુ ગંભીર છે કે આંતરાષ્ટ્રીય ક્રિકેટર્સે તેમની જવાબદારી વધુ સારી રીતે સમજવી જોઈએ.
પંડ્યાએ કરણના ચેટ શોમાં અનેક મહિલાઓ સાથે લફરાંની વાતનો એકરાર કર્યો હતો અને તેનાથી વધુ તેણે ઘરે પોતાના માતા-પિતા સમક્ષ પણ પોતાની ‘વર્જિનિટી’ ભંગ કર્યાની વાત કબૂલી હોવાનું જણાવ્યું હતું. હાર્દિકે શોમાં જણાવ્યું કે એક દિવસ તેણે પેરેન્ટ્સને કહ્યું કે- ‘આજ મે કર કે આયા.’ આ શો દરમિયાન હોસ્ટે તેને પ્રશ્ન પૂછ્યો કે તે શા માટે ક્લબમાં મહિલાઓને તેનું નામ નથી પૂછતો. પંડ્યાએ વળતા જવાબમાં કહ્યું કે, ‘હું તેમને જોઈને નિહાળું છું તેઓ કઈ રીતે મૂવ કરે છે. હું થોડો શ્યામ હોવાથી ફક્ત પહેલા જોઉં છું કે તેઓ કેવી રીતે મૂવ કરે છે.’ પંડ્યાના આ નિવેદનને લઈને ફેન્સ તેમજ મહિલાઓમાં વધુ રોષ ભભૂક્યો હતો.