પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે તા.27મીને રવિવારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દિગસર ગામે કિંજલ પરીખ સાથે માતાજીના મંદિર પટાંગણમાં લગ્નના ફેરા ફર્યા હતા. આ લગ્ન માટે માત્ર પરિવારના અંગત લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યુ હતું. જેથી આ લગ્નમાં બંને પરિવારનો કુલ મળીને ૨૦૦ જેટલા સગા-સંબંધીઓએ હાજરી આપી હતી. હાર્દિક પટેલે લગ્ન સમારંભ બાદ પત્રકારોને કહ્યું, ‘આ મારા પારિવારિક જીવનની બીજી ઈનિંગની શરૂઆત છે. મારો દ્રઢ સંકલ્પ છે કે દરેકને એક સરખ અધિકાર મળવો જોઈએ.
અમે દેશના નવનિર્માણ માટે એક સાથે લડવાનો સંકલ્પ લીધો છે.’ હાર્દિક પટેલે પોતાના સંઘર્ષમાં પત્નીનો સાથ મળવાની વાત પણ કરી હતી. હાર્દિકે જણાવ્યું કે, લગ્ન બાદ પણ રાષ્ટ્રીય હિત માટે સંઘર્ષ ચાલુ રહેશે. હાર્દિક પટલે કહ્યું કે, ‘અમે સત્ય, લોકો અને સમાનતાના અધિકાર માટે આખરી શ્વાસ સુધી લડત આપીશું.’ હાર્દિકે કહ્યું કે, ‘હું અને કિંજલ લાંબા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા અને ત્યારબાદ બંને પરિવારોએ સર્વ સંમત્તિથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો, કિંજલ એલએલબીનો અભ્યાસ કરી રહી છે. લગ્ન બાદ હું અને કિંજલ વિરમગામમાં રહેવના છે.’