ભારતની યુવા એથલિટ હિમા દાસે ગયા સપ્તાહે શનિવારે (21 જુલાઈ) વધુ એક ગોલ્ડ મેડલ મેળવી 20 દિવસમાં પાંચમી સોનેરી સિદ્ધિ પોતાના નામે લખાવી હતી. ચેક રિપબ્લિકની નોવે મેસ્ટો મેટુજી ગ્રાં પ્રીમાં હિમાએ 400 મીટરની રેસ 52.09 સેકન્ડમાં પુરી કરી હતી.
આ જ ટુર્નામેન્ટમાં 400 મીટર હર્ડલ્સમાં એમપી જાબીરે પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મોહમ્મદ અનસે બ્રોંઝ અને નિર્મલ ટોમે સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો.
19 વર્ષની હિમાએ આ દોડ પોતાના બીજા સર્વશ્રેષ્ઠ સમયમાં પુરી કરી હતી. આ પહેલા તેનો સામાન્ય સર્વશ્રેષ્ઠ સમય 50.79 સેકન્ડ છે, જે તેણે ગત વર્ષે એશિયન ગેમ્સમાં હાંસલ કર્યો હતો. આ મહિનામાં જ હિમાએ મેળવેલા અન્ય ચાર ગોલ્ડ મેડલ્સની યાદી આ મુજબ છેઃ
પહેલો ગોલ્ડમેડલઃ 2જી જુલાઈએ પોજનાન એથલેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં 200 મીટર રેસ તેણે 23.65 સેકન્ડમાં પુરી કરી હતી.
બીજો ગોલ્ડમેડલઃ 7મી જુલાઈએ પોલેન્ડમાં કુટનો એથલેટિક્સ મીટમાં 200 મીટર રેસ હિમાએ 23.97 સેકન્ડમાં પુરી કરી હતી.
ત્રીજો ગોલ્ડમેડલઃ 13 જુલાઈએ ચેક રિપબ્લિકમાં ક્લાંદો મેમોરિયલ એથલેટિક્સમાં 200 મીટર રેસ 23.43 સેકન્ડમાં પુરી કરી હતી.
ચોથો ગોલ્ડમેડલઃ 17 જુલાઈએ ચેક રિપબ્લિકમાં જ તાબોર એથલેટિક્સ મીટમાં 200 મીટર રેસ 23.25 સેકન્ડ સાથે જીતી લીધી હતી.