હીરો મોટોકોર્પની રિટેલ કંપની હીરો ફિનકોર્પ અનિલ અંબાણીની રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ (RGI)ને 5,500-6,000 કરોડના મૂલ્યમાં ખરીદવા સક્રિય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયન્સ કેપિટલ પાસેથી જનરલ ઇન્શ્યોરન્સ બિઝનેસ ખરીદવા હીરો મોટોકોર્પ વાટાઘાટ કરી રહ્યું છે. રિલાયન્સ કેપિટલ ADAGના ઋણમાં ઘટાડો કરવા છેલ્લા કેટલાક સમયથી ઘણા પ્રયાસ કરી રહ્યું છે. જેના ભાગરૂપે તે ઇન્શ્યોરન્સ અને મ્યુ ફંડ બિઝનેસ વેચી 18,000 કરોડના ઋણમાં લગભગ 50 ટકા ઘટાડો કરવાની યોજના ધરાવે છે. અનિલ અંબાણીએ અગાઉ જણાવ્યું હતું કે, તે જૂથનું ઋણ 9,000 કરોડ કરવાનો ઇરાદો ધરાવે છે.
રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ રિલાયન્સ કેપિટલની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી છે.રિલાયન્સ કેપિટલના ચેરમેન અનિલ અંબાણીએ ચાલુ સપ્તાહે ઇકોનોમિક ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “અમારા જનરલ ઇન્શ્યોરન્સ બિઝનેસની ગુણવત્તા ઉત્કૃષ્ટ છે. અમે હાલ વ્યૂહાત્મક ખરીદદાર સાથે વાટાઘાટ કરી રહ્યા છીએ અને તેના વિશે હું વધારે કંઈ કહી શકું તેમ નથી.”
રિલાયન્સ પ્રારંભિક તબક્કે બિઝનેસનો 49 ટકા હિસ્સો વેચવાની યોજના ધરાવતું હતું, પણ હવે તે સંપૂર્ણ બિઝનેસ વેચવા સક્રિય છે. અંબાણી જનરલ ઇન્શ્યોરન્સ બિઝનેસમાં લઘુમતી હિસ્સો રાખશે કે જુનિયર પાર્ટનર તરીકે રહેશે એ હજુ નક્કી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ડ્યૂ ડિલિજન્સ પ્રક્રિયા ચાલુ છે.ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સે ફેબ્રુઆરીમાં IPO માટે અરજી કરી હતી. જોકે, વ્યૂહાત્મક વેચાણનો સોદો IPO પહેલાં જ પૂરો થવાની શક્યતા છે. હીરો ફિનકોર્પના એક રોકાણકાર ક્રિસ કેપિટલે ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. હીરો ફિનકોર્પ SME અને કોમર્શિયલ લોન, મેડિકલ ઇક્વિપમેન્ટ ફાઇનાન્સિંગ, યુઝ્ડ કાર લોન, ટુ-વ્હીલર લોન, પ્રોપર્ટી સામે લોન, પર્સનલ લોન અને ઇન્વેન્ટરી ફન્ડિંગ પૂરું પાડે છે.
હીરોએ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના લાઇસન્સ માટે અર્ગો સાથે જોડાણનો પ્રયાસ કર્યો હતો, પણ તેમાં સફળતા મળી ન હતી. ગયા વર્ષે હીરો એન્ટરપ્રાઇઝ લાઇફ અને જનરલ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સના વેચાણ અને ડિસ્ટ્રિબ્યુશન માટે ઇન્શ્યોરન્સ બ્રોકિંગ બિઝનેસમાં પ્રવેશી હતી. હીરો વૃદ્ધિ માટે ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરના તમામ સેગમેન્ટમાં તકની શોધ કરી રહી છે.
તાજેતરમાં વાધવાન ગ્રૂપ પાસેથી આધાર હાઉસિંગના એક્વિઝિશનમાં બ્લેકસ્ટોને છેલ્લી ઘડીએ હીરો ગ્રૂપને પછાડ્યું હતું. ઇન્શ્યોરન્સ બિઝનેસમાં ફ્યુચર જનરાલી અને મેક્સ બુપાનો હિસ્સો વેચવા તે કિશોર બિયાની સાથે ચર્ચામાં છે. નવેમ્બર 2018 સુધીમાં હીરો ફિનકોર્પની સંચાલન હેઠળની એસેટ્સ 17,400 કરોડ હતી. ગયા વર્ષ સુધીમાં તેની કેપિટલ એડિક્વસી 18.3 ટકાના સ્તરે હતી.