સંયુકત અરબ અમીરાત (UAE)ના પ્રવાસે ગયેલા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતમાં અસહિષ્ણુતાનો ઉલ્લેખ કરીને ભાજપ પર નિશાન સાંધ્યું. શુક્રવારે, 11 જાન્યુઆરીએ ભારતીય સમુદાયને સંબોધિત કરતાં સમયે રાહુલે કહ્યું કે UAE અને ભારતના લોકોને સાથે લાવનાર મૂલ્ય વિનમ્રતા અને સહિષ્ણુતા છે. વિભિન્ન વિચારો, ધર્મો, અને સમુદાયો માટે સહિષ્ણુતા. મને એ કહેતા દુ:ખ થાય છે કે ઘરે (ભારત) સાડા ચાર વર્ષથી અહિષ્ણુતા છે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે ભારતમાં એક સૌથી મોટી બેરોજગારીની સમસ્યાનો આપણે સામનો કરી રહ્યા છીએ. આપણે બાકીની દુનિયાને એ દેખાડવાની જરૂર છે કે અમે માત્ર બેરોજગારી જ દૂર કરી શકીએ એમ નથી પરંતુ ચીનને પણ પડકાર આપી શકીએ તેમ છીએ. ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ મુલાકાતના સમયે થનાર કાર્યક્રમો જેવો જ ભવ્ય રીતે આયોજીત કરાયો હતો.
અહીં રાહુલે કહ્યું કે આપણે ભારત જેવા દેશને એ માનતા આગળ વધારી શકીએ નહીં કે માત્ર એક આઇડિયા જ યોગ્ય છે અને બાકી તમામ ખોટા છે. આજે આપણા પ્રેમાળ દેશ ભારતને રાજકીય કારણોના લીધે વહેંચવાની કોશિષ થઇ રહી છે.
UAEના શાસકનું ઉદાહરણ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે એક નેતા જે સાંભળે છે, જે વખાણ કરે છે, તે માત્ર પોતાના દેશના લોકોનું જ નહીં પરંતુ એ લોકોનું પણ સાંભળે છે જે દૂર દેશમાંથી તેમના દેશને બનાવા આવ્યા છે. તેમણે કહ્યું કે UAEમાં આ વર્ષે ‘સહિષ્ણુતાનું વર્ષ’ મનાવામાં આવી રહ્યું છે જ્યારે મને કહેતા દુખ થાય છે કે ભારતમાં 4.5 વર્ષથી અસહિષ્ણુતા છે.
‘2019ની લોકસભા ચૂંટણી નજીક છે અને એવામાં કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે કેટલાંક લોકો કહેતા હતા કે તેઓ કૉંગ્રેસ મુકત ભારત ઇચ્છે છે પરંતુ હું સ્પષ્ટતા કરવા માંગું છું કે અમે ભાજપ મુકત ભારત ઇચ્છતા નથી. હું પહેલાં ભારતીય છું, બાકી બધું બાદમાં. તેમણે આગળ કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ એ પણ માન્યું છે કે ચીન અને ભારત બે દેશ જ ભારતને પડકાર આપી શકે છે.
કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે એ ભારતમાં તમે પણ સામેલ છો. તમે જ્યારે ભારતથી આવો છો તો તમારા દિલમાં ભારત વસે છે. જો તમે મુશ્કેલીમાં છો તો ભારત કયારેય સફળ અને ખુશ હોઇ શકે નહીં. સહિષ્ણુતામાં ભાઇચારા અને તમામ ધર્મોને સાથે લઇ ચાલવાની વાત હોય છે. હિંસાના માહોલને તમે અમેરિકા, યુરોપમાં જુઓ છે જ્યારે આપણા DNAમાં અહિંસા છે. મહાત્મા ગાંધીએ અહિંસાનો સિદ્ધાંત તમામ ધર્મોમાંથી લીધો હતો. મારા દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા છે. આપણે 2019મા આવનાર ચૂંટણીની નજીક છીએ અને આપણે આ જંગને જીતવા જઇ રહ્યા છીએ. અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે ફરીથી શ્રેષ્ઠ ભારત બનાવીશું.
આંધ્રપ્રદેશને લઇ એક પ્રશ્નના જવાબમાં રાહુલે ફરીથી કહ્યું કે જે પળે અમે ચૂંટણી જીતીશું, આંધ્રપ્રદેશને તરત જ ખાસ રાજ્યનો દરજ્જો આપી દઇશું.