હોકી વર્લ્ડ કપ 2018માં ભારતીય ટીમે બુધવારે મજબૂત પ્રારંભ કરીને સાઉથ આફ્રિકાને 5-0ના સજ્જડ માર્જિનથી હરાવ્યું હતું. આ સાથે ભારત તેના ગ્રૂપમાં મોખરે પહોંચી ગયું છે. અહીં યોજાયેલી ટુર્નામેન્ટમાં ભારત અગાઉથી જ આ મેચ જીતવા માટે ફેવરિટ હતું અને ટીમના ખેલાડીઓએ આ બાબત પુરવાર કરતાં હરીફ ટીમને એકેય તક આપી ન હતી. ભારતે સમગ્ર મેચ દરમિયાન ઉમદા પ્રદર્શન કર્યું હતું અને બીજા ક્વાર્ટરને બાદ કરતાં તમામ ક્વાર્ટરમાં કમસે કમ એક ગોલ નોંધાવ્યો હતો જેની સરખામણીએ સાઉથ આફ્રિકા એકેય ગોલ કરી શક્યું ન હતું.
ભારત માટે સિમરનજીત સિંઘે બે ગોલ ફટકાર્યા હતા અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આ ઉપરાંત લલિત ઉપાધ્યાય, આકાશદીપસિંઘ અને મનદિપસિંઘે એક એક ગોલ નોંધાવ્યા હતા. ભારતે બે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી દીધા હતા તો બાકીના ત્રણ ફિલ્ડ ગોલ કર્યા હતા. આગામી મેચમાં ભારતનો મુકાબલો બેલ્જિયમની મજબૂત ટીમ સામે થશે. જેણે બુધવારે જ રમાયેલી અન્ય એક મેચમાં કેનેડાને 2-1થી હરાવ્યું હતું. મેચની દસમી મિનિટે મનદિપસિંઘે શાનદાર ફિલ્ડ ગોલ ફટકારીને ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી.
સાઉથ આફ્રિકન ખેલાડીઓ આ આક્રમણનો જવાબ આપે તે અગાઉ 12મી મિનિટે આકાશદીપે વધુ એક ગોલ ફટકારી દીધો હતો. આમ પ્રથમ ક્વાર્ટરને અંતે ભારત 2-0ની સરસાઈ પર હતું અને તેની સ્થિતિ અત્યંત મજબૂત બની ગઈ હતી. છેલ્લા ઘણા સમયથી વર્લ્ડ કપ જીતવામાં નિષ્ફળ રહેલી ભારતીય ટીમે બીજા ક્વાર્ટરમાં આક્રમણ જારી રાખ્યું હતું પરંતુ તેને ગોલ નોંધાવવામાં સફળતા મળી ન હતી. જોકે તેને આ મેચમાં પાંચ પેનલ્ટી કોર્નર સાંપડ્યા હતા જેમાંથી તેણે બે ગોલ કર્યા હતા..
વિરામ બાદ ભારત વધારે આક્રમક બન્યું હતું. 43મી મિનિટે સિમરનજીતે ફિલ્ડ ગોલ દ્વારા ભારતનો સ્કોર 3-0 કરી નાખ્યો હતો. મેચમાં આ તેનો પ્રથમ ગોલ હતો. મનજિતે રાઇટમાંથી બોલ પર પઝેશન મેળવ્યું હતું અને તે બોલને છેક ગોલ પોસ્ટ સુધી લઈ ગયો હતો જ્યાંથી સિમરને કોઈ ભૂલ કરી ન હતી અને ગોલ નોંધાવી દીધો હતો..
જોકે એ અગાઉ 42મી મિનિટે સાઉથ આફ્રિકાને પેનલ્ટી કોર્નર મળ્યો હતો જેમાં ભારતીય ડિફેન્ડર્સે અદભૂત કામગીરી બજાવીને તેમને ગોલથી વંચિત રાખ્યા હતા. મેચની 45મી મિનિટે લલિત ઉપાધ્યાય ત્રાટક્યો હતો. તેણે સાઉથ આફ્રિકન ડિફેન્સને ભેદીને શાનદાર ડિફલેક્શનમાં ટીમને સફળતા અપાવતાં સ્કોર 4-0નો કરી નાખ્યો હતો જેની બીજી જ મિનિટે સિમરનજીતે તેનો બીજો ગોલ કરીને ભારતને 5-0ની અજેય સરસાઈ અપાવી દીધી હતી.
મેચની અંતિમ ક્ષણોમાં ભારત સર્વોપરિ હતું ત્યારે સાઉથ આફ્રિકાએ પ્રહાર કર્યો હતો. તેમને રેફરલ પણ મળ્યો હતો પરંતુ પેનલ્ટી કોર્નર મળ્યો ન હતો. ટુર્નામેન્ટના સી ગ્રૂપમાં ભારત અને બેલ્જિયમ ત્રણ ત્રણ પોઇન્ટ સાથે મોખરે છે. જોકે ગોલ ડિફરન્સમાં ભારત પાંચ ગોલના તફાવતથી આગળ છે. કેનેડા અને સાઉથ આફ્રિકાને તેમની પ્રથમ મેચ જીતવાની બાકી છે..