મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-ર૦૧૯ ‘શેપિંગ અ ન્યૂ ઇન્ડીયા’ના વિષયવસ્તુ સાથે યોજાશે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી સંકલ્પનાના ભારત નિર્માણમાં હોલિસ્ટીક ડેવલપમેન્ટના એપ્રોચ સાથે ગુજરાત પોતાનું યોગદાન આ સમીટથી આપવા પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમીટની એડવાઇઝરી કમિટીની પ્રથમ બેઠક યોજાઇ હતી. આ સમિટ જાન્યુઆરી-ર૦૧૯ તા. ૧૮ થી ર૦ દરમિયાન યોજાવાની છે. રૂપાણીએ વાયબ્રન્ટ સમિટ ર૦૧૯માં યુથ, નાના વેપારીઓ, MSMEને જોડવા સાથે સર્વિસ સેકટર, મેન્યૂફેકચરીંગ, બિઝનેસ અને ટ્રેડીંગ એકટીવીટીને પણ જોડવામાં આવશે તેની વિશદ ભૂમિકા આપી હતી. વાયબ્રન્ટ સમિટ માટે યુવા વર્ગો-યુવા સાહસિકોમાં જે ઉત્સાહ જોવા મળ્યો છે તેને પગલે આ વર્ષે વાયબ્રન્ટ સમીટ પૂર્વે ચાર મહાનગરોમાં યુથ કનેકટ ફોરમ યોજવાનું આયોજન છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં આવાં ફોરમ યોજીને જુદા જુદા ક્ષેત્રોના યંગ એચીવર્સ-સફળ ઊદ્યોગ-વેપાર સાહસિકો યુવા વર્ગો સાથે ઇન્ટરેકશન-વાર્તાલાપ યોજશે. રૂપાણીએ વાયબ્રન્ટ ર૦૧૯માં ફાર્મા અને મેડીકલ ફેસેલીટીઝને શો કેસ કરી મેડીકલ ટૂરિઝમ અને હેલ્થકેરને વ્યાપક સ્તરે પ્રમોટ કરવાનું આયોજન છે તેમ પણ ઉમેર્યું હતું. આ એડવાઇઝરી કમિટીની બેઠકમાં ઊદ્યોગ કમિશનર મમતા વર્માએ વાયબ્રન્ટ સમીટના મુખ્ય આકર્ષણો અને કાર્ય આયોજનોનું પ્રેઝન્ટેશન કર્યું હતું. તેમણે કહ્યું કે, ર૦૦૩થી મોદીના માર્ગદર્શનમાં શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટ ગુજરાતના ગ્લોબલ બ્રાન્ડીંગનું એક સક્ષમ માધ્યમ બની છે. ‘‘હવે આ સમીટ ગુજરાતની એક આગવી ઓળખ બની છે ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, વિદેશ મંત્રાલય, વિવિધ રાષ્ટ્રોની એમ્બેસીઝ, ઊદ્યોગ-વેપાર સંગઠનો બધાનો સહયોગ મેળવીને લાંબાગાળાના ભાવિ વિચાર સાથે ગુજરાતને શો કેસ કરવું છે એમ તેમણે ઉમેર્યું હતું. રૂપાણીએ આ એડવાઇઝરી કમિટીમાં ઊદ્યોગ ગૃહો-સંગઠનોના મળેલા સૂચનોને આવકારતાં એમ પણ જણાવ્યું કે, વાયબ્રન્ટ સમીટ પહેલાં ડિસીઝન મેઇકીંગ ઉચ્ચસ્તરીય સમિતીમાં આ સૂચનો સંદર્ભે વિચાર-વિમર્શ કરાશે. તેમણે આ વાયબ્રન્ટ સમિટમાં સોશિયલ સેકટરને ફોકસ કરવા સાથે ફાર્મા, ડાયમન્ડ, મેન્યૂફેકચરીંગ, SEZ સહિતના બહુવિધ ક્ષેત્રોને પણ શો-કેસ કરીને વાયબ્રન્ટને જવલંત સફળતા અપાવવા અંગે પણ વિશદ ચર્ચા-પરામર્શ કર્યો હતો.