બોલિવૂડની સૌથી દમદાર અભિનેત્રીઓની યાદીમાં તબ્બુનું નામ ખૂબ જ ઉપર આવે છે. ૪૭ વર્ષની હોવા છતાં પણ તેણે લગ્ન કર્યાં નથી. તેની પાછળનું કારણ સ્વયં તબ્બુએ જણાવ્યું હતું. લગભગ ૨૫ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ તબ્બુએ કહ્યું કે મારું અપરિણીત રહેવાનું કારણ અજય દેવગણ છે. હું તેને ૨૫ વર્ષથી ઓળખું છું. અજય મારા કઝીન સમીર આર્યનો પાડોશી હતો અને બંને મિત્રો હતા. હું નાની હતી ત્યારે બંને મારા પર સખત નજર રાખતા. જ્યારે કોઇ છોકરો મારી સાથે વાત કરતો તો તેને ખૂબ માર મારતા. હવે હું રોજ અજયને કહું છું કે મારા માટે કોઇ સારો છોકરો હવે તો શોધી આપ. બધા જ મેલ એક્ટર્સમાં જો મારા માટે સૌથી મહત્ત્વનું હોય તો તે અજય છે. તબ્બુનું નામ જાણીતા નિર્દેશક સાજિદ નડિયાદવાલા સાથે જોડાયું હતું, સાથે-સાથે તેનું અફેર સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન સાથે પણ રહ્યું છે. નાગાર્જુન પહેલાંથી પરિણીત હતો. તેથી આ સંબંધોનું કોઇ ભવિષ્ય ન દેખાતાં તબ્બુએ તેની સાથે એક અંતર જાળવ્યું. તે ખૂબ જ જલદી ‘ભારત’ અને ‘દે દે પ્યાર દે’ ફિલ્મમાં જોવા મળશે.
તબ્બુ પહેલાં ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીતી ચૂકી છે, પરંતુ હવે તેને આ વર્ષે ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ લોસ એન્જલસમાં પણ વિશેષ રીતે સન્માનિત કરાશે. આ સમારંભ આ મહિને યોજાશે. આ સમારંભનું ઉદ્ઘાટન ગયા વર્ષે આવેલી અને લોકોએ પસંદ કરેલી તબ્બુની ફિલ્મ ‘અંધાધુન’થી થશે.