૨.૦માં રજનીકાન્તની સામે અક્ષયકુમાર છે. ફિલ્મમાં વિઝ્યુઅલ ઇફેક્ટ દ્વારા સાયન્સ-ફિક્શન ઍક્શન ડ્રામા રજૂ કરવામાં આવ્યો છે. વાર્તા દમદાર નથી પણ વિઝ્યુઅલ્સ જોવાની મજા પડે છે. ટિપિકલ સાઉથની ફિલ્મોની જેમ ગીતો વચ્ચે નડતાં નથી. હિન્દી ડબિંગ નબળું છે, પણ મોટા પડદે જોવાય. મસાલા એન્ટરટેઇનર અને રજનીકાન્તના ચાહકો માટે જલસો! ૮ વર્ષ પહેલાં ડિરેક્ટર એસ. શંકરે ‘એન્ધિરન’ નામની તમિલ ભાષાની સાયન્સ-ફિક્શન ઍક્શન ફિલ્મ બનાવી હતી જે હિન્દીમાં ‘રોબોટ’ નામથી રિલીઝ થઈ હતી. શંકરના ફેવરિટ થલાઇવા રજનીકાન્ત ફિલ્મમાં માણસ અને રોબોટ, બેઉના રૂપમાં હતા. સૌને તેમનું આ રૂપ ગમ્યું. ફિલ્મની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને સ્ટન્ટ સીન્સ ખૂબ વખણાયાં, ફિલ્મ ચિક્કાર ચાલી. એની સીક્વલ એટલે `૨.૦’, જેમાં વિલન તરીકે હિન્દી ફિલ્મના અભિનેતા અક્ષયકુમારે સાઉથની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું. કહે છે કે આ ફિલ્મ સાડાપાંચસો કરોડના બજેટમાં બની છે. ‘રોબોટ’માં ડૉ. વસીગરને સર્જેલા ચિટ્ટીએ લોકોને મજા કરાવી હતી. અહીં તે ફરી પાછો આવે છે. પણ શું તે પહેલાં જેવી મજા કરાવી શકે છે? રજનીકાન્તે રિલીઝ પહેલાં એકાધિક વખત કહ્યું કે અક્ષયકુમારનું પાત્ર મારા કરતાં પણ દમદાર છે. શંકરની અન્ય ફિલ્મોની જેમ સારા માણસમાંથી બનેલા ડેવિલની વાર્તા છે, જે બદલો વાળવા માગે છે. બદલા માટે તેણે પસંદ કરેલો રસ્તો ખોટો છે, પણ ભાઈની વાત સાચી છે. તે ભાઈ એટલે પક્ષીરાજન (અક્ષયકુમાર). તામિલનાડુના શહેરમાં અચાનક એક દિવસ ઊંચનીચના ભેદભાવ વગર દરેક લોકોના મોબાઇલ ફોન હવામાં ફંગોળાઈને આકાશમાં અદૃશ્ય થઈ જાય છે. લોકો ફરિયાદ લખાવે છે. ટેલિકૉમ મિનિસ્ટ્રી સફાળી જાગી જાય છે. નેટવર્ક પ્રોવાઇડ કરતી કંપનીઓ ચિંતામાં પડી જાય છે. સરકાર વૈજ્ઞાનિકોની બેઠક બોલાવે છે, જેમાં ડૉ. વસીગરન રજનીકાન્ત હોવાથી સ્વાભાવિક રીતે એનો ઉકેલ આપે છે. તે તેના પુરાના રોબો ચિટ્ટીને પાછો લાવવાનું કહે છે. એ બેઠકમાં ધીરેન્દ્ર ભોરા (સુધાંશુ પાંડે) પણ છે, જે ગત ફિલ્મના વિલન ડૉ. ભોરા (ડૅની)ના સુપુત્ર છે. તેમને સ્વાભાવિક વાંધો પડે છે અને વાર્તા આમતેમ થયા પછી ચિટ્ટી આવે છે. વિઝ્યુઅલ ઇફેક્ટ્સની મદદ વડે રોબો સામે પેલું ટ્રેઇલરમાં દેખાય છે એ પક્ષી લડે છે. (જે અક્ષયકુમારે ધારણ કરેલું રૂપ છે!) અને ઑબ્વિયસ્લી સત્યની જીત થાય છે.