એશિયાભરમાં વેપાર ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી અને આર્થિક રીતે સંગીન સ્થિતિ ધરાવતી ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂત વિભાગના આઠ અને વેપારી વિભાગના ચાર મળી કુલ 12 ડિરેક્ટરોની યોજાયેલ પ્રતિષ્ઠાના જંગ ભરી સામાન્ય ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતા ભાજપના ધારાસભ્ય ડો.આશાબેન પટેલના સમર્થક દિનેશભાઈ પટેલ અને શિવમ રાવલ જૂથની વિકાસ પેનલનો વિજય થયો છે. જયારે ભાજપના પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલના પુત્ર અને બજાર સમિતિના પૂર્વ ચેરમેન ગૌરાંગભાઈ પટેલની વિશ્વાસ પેનલની કારમી હાર થઈ છે.
જોકે અંદર ખાને ગૌરાંગ પટેલના સમર્થક કહેવાતા બે વેપારીઓ સ્વતંત્ર રીતે ચૂંટણી લડી વિજયી થયા છે. આથી દિનેશ પટેલ જૂથમાં વેપારી વિભાગમાં વિકાસ પેનલના ચાર પૈકી બેજ સભ્યો વિજયી થયા છે અને ખેડૂત વિભાગમાં વિકાસ પેનલના આઠેય ઉમેદવારો વિજયી થયા છે. ખેડૂત વિભાગના આઠ સભ્યો માટે 16 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા. જેમાં વિકાસ અને વિશ્વાસ પેનલ સામસામે ટકરાઈ હતી. આ ચૂંટણીમાં દિનેશ પટેલ અને શિવમ રાવલ જૂથનો વિજયી થતા તેમના સમર્થકો મોટી સંખ્યામાં એપીએમસી સંકુલ ખાતે ઉપસ્થિત રહી અબીલ ગુલાલ ઉડાડી ભવ્ય આતશબાજી કરી ડીજેના તાલે જુમીને વિજયોત્સવ મનાવ્યો હતો કહે છે કે આ ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે બેફામ ખર્ચા કરવામાં આવ્યા હતા.
ઊંઝા બજાર સમિતિમાં 21 વર્ષ બાદ આ પરિવર્તનથી ભાજપના પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલ અને તેમના પુત્ર ગૌરાંગભાઈ પટેલનો રાજકીય અને સહકારી ક્ષેત્ર પરનો દબદબો અને સત્તાનો અંત આવ્યો છે તેવું ચર્ચાઈ રહ્યું છે. ઊંઝા બજાર સમિતિની ચૂંટણીને પગલે ઊંઝા કોંગ્રેસના ધારાસભ્ય ડો.આશા પટેલ કોગ્રેસનો સાથ છોડી ભાજપમાં પ્રવેશી ભાજપની ટિકિટના આધારે પુન ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજયી થઈ તેમના સમર્થકોને બજાર સમિતિની ચૂંટણીમાં વિજયી બનાવવામાં સફળતા મેળવી છે.
બજાર સમિતિની ખેડૂત વિભાગની ચૂંટણીમાં રાવલ શિવ પ્રસાદ શાંતિલાલ, પટેલ દિનેશકુમાર અમથાભાઈ, પટેલ અંબાલાલ જોઈતારામ, પટેલ રમેશભાઈ છગનભાઈ, પટેલ રાજેન્દ્ર કુમાર શંકરલાલ, પટેલ, અમૃતભાઈ મુલચદદાસ, પટેલ જ્યંતીભાઈ શિવરામભાઈ, પટેલ સંજયકુમાર મફતલાલ ચૂંટાયા છે. વેપારી મત વિભાગમાં પટેલ અરવિદભાઈ સોમાભાઈ, પટેલ નરેન્દ્રકુમાર કાનજીદાસ, પટેલ વિષ્ણુભાઇ વિઠ્ઠલદાસ, પટેલ ચંદુભાઈ ઇશ્વરભાઇ વિજયી થયા છે.