વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા 260 કરોડ રૂપિયાના કૌભાડમાં નાસતા ફરતા કૌભાંડી વિનય શાહની નેપાળથી ધરપકડ કરવામાં આવી છે.
રૂપિયા ડબલ કરવાની લાલચ આપીને 260 કરોડનું ફૂલેકુ ફેરવનાર આરોપી વિનય શાહને એકાદ બે દિવસમાં નેપાળથી અમદાવાદ લાવવામાં આવશે. આ માટે સીઆઇડી ક્રાઇમબ્રાંચ નેપાળ જશે. આશરે એક લાખ લોકોને રૂ.260 કરોડનો ચુનો ચોપડનાર વિનય શાહના કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમ કરી રહી છે.
કૌભાંડ બહાર આવ્યા બાદ આરોપીઓ દેશ છોડી ગયાની શંકા સેવાઈ રહી હતી માટે આ બન્ટી બબલીની જોડી સામે લુકઆઉટ નોટિસ જારી કરી છે. થોડા દિવસ પહેલા જ ભાર્ગવી શાહે સોશિયલ મીડિયામાં પત્ર લખ્યો હતો કે ટૂંક સમયમાં પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરશે પરંતુ તે પહેલા તેના પતિ વિનય શાહની ધરપકડ થઇ ગઇ છે.
આ કૌભાંડમાં ભારતીય જનતા પાર્ટીના નેતા સુરેન્દ્ર રાજપૂત, સ્વપ્નીલ રાજપૂતની કૌભાંડી વિનય સાથેની વાતચીતનો ઓડિયો બહાર આવ્યો હતો અને હોબાળો મચ્યો હતો. ત્યાર બાદ પિતા-પુત્ર બીજેપીના વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલાના બંગલે ગયા હતા અને બંનેએ કલાક દોઢ કલાક સુધી ચર્ચા કરી હતી. કાયદાકીય ભીંસ વધતા બચવા માટે પુરૂષોત્મ રૂપાલાનો સંપર્ક કર્યો હોવાનું ચર્ચા થઇ રહી છે.