શુક્રવારની મધરાતે ચંદ્ર પર ઐતહાસિક લેન્ડિંગના બે કિમી પહેલા જ લેન્ડર વિક્રમનો ધરતી સાથેનો સંપર્ક તુટી ગયો હતો.

લેન્ડિંગમાં ક્યાં શું તકલીફ પડી તેનુ એનાલિસીસ ઈસરોના વૈજ્ઞાનિકો કરશે પણ આ મિશન એમ પણ બહુ અઘરુ હતુ. ભૂતકાળમાં બીજા દેશો પણ ચંદ્ર પર ઉતરવામાં નિષ્ફળતાનો સ્વાદ ચાખી ચુક્યા છે.

ભારત પહેલા અમેરિકા, રશિયા અને ચીન પોતાના યાન ચંદ્ર પર મોકલી શક્યા છે પણ ભારતે લેન્ડિંગ માટે ચંદ્રનો સાઉથ પોલ પસંદ કર્યો હતો. જયાં હજી સુધી કોઈ પહોંચ્યુ નથી.

પાંચ મહિના પહેલા જ ઈઝરાયેલનુ યાન લેન્ડિંગ વખતે દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. તેણે સંપર્ક ગુમાવી દીધો હતો. એ પછી ઈઝરાયેલે આ મિશન સફળ નહી થયુ હોવાની જાહેરાત કરી હતી.

અત્યાર સુધી ચંદ્ર પર ઉતરવાના 110 મિશનમાંથી 41 અસફળ થયા છે. જેમાં કમનસીબે ભારતના એક મિશનનો ઉમેરો થશે. આમ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગના પ્રયાસોમાં સફળતાની ટકાવારી ખાલી 52 ટકા જ રહી છે.

અમેરિકા 1958 થી લઈને 1972ની વચ્ચે 31 વખત ચંદ્ર માટેના મિશન યોજી ચુક્યુ છે. જેમાંથી 17 મિશન નિષ્ફળ ગયેલા છે. અહીં નોંધનીય છે કે અમેરિકાના નામે ચંદ્ર પર અવકાશયાત્રીઓને મોકલવાની ઐતહાસિક સિધ્ધ નોંધાયેલી છે. 1969ની 20 જુલાઈએ અમેરિકાના અવકાશાત્રીઓ નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રિન ચંદ્ર પર ઉતર્યા હતા.

સ્પેસ ટેકનોલોજીમાં જાયન્ટ એવા બીજા દેશ રશિયાની વાત કરીએ તો રશિયાએ 1958 થી 1976 સુધી હાથ ધરેલા 33 મિશનમાંથી 26 ફેલ ગયા છે. જોકે, રશિયાને પહેલી જ વખત લેન્ડિંગ કરવામાં સફળતા મળી છે.

અન્ય દેશ ચીનને પોતાનુ યાન આ 3 જાન્યુઆરી, 2019ના રોજ ચંદ્રની સપાટી પર ઉતારવામાં સફળતા મળી છે.