રશિયાએ અમેરિકાનાં એ દાવાઓને ફગાવી દીધા છે કે મોસ્કો શીતયુદ્ધ દરમિયાન થયેલા મહત્વના પરિમાણુ હથિયાર કરારનું ઉલ્લંઘન કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ જણાવ્યું કે, પાયાવિહોણા આરોપોનું પુનરોચ્ચાર કરાઈ રહ્યો છે. આ અગાઉ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ જણાવ્યું હતું કે, રશિયા ‘ઈન્ટરમીડિએટ રેન્જ ન્યુક્લિયર્સ ફોર્સ’ (INF) સંધિનું ઉલ્લંઘન કરી રહ્યું છે.
પ્રવક્તાએ જણાવ્યું કે, ‘અમેરિકાએ તેના આ નિવેદનના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કર્યા નથી.’ પ્રવક્તાએ એ સંધિને વૈશ્વિક સ્થિરતા અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાની આધારશિલા જણાવી છે. આ દરમિયાન ક્રેમલિન પ્રવક્તા દિમિત્રિ પેસ્કોવે જણાવ્યું કે, તથ્યો સાથે છેડછાડ કરીને રજૂ કરાયા છે, જેથી સંધિમાંથી બહાર નિકળી જવાનાં અમેરિકાનાં લક્ષ્યોની ખબર ન પડે.
આ અગાઉ પોમ્પિઓએ મંગળવારે નાટો દેશોનાં વિદેશ મંત્રીઓ સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે, જો રશિયા પોતાની મિસાઈલોનો નાશ નહીં કરે તો અમેરિકા 60 દિવસના અંદર પરમાણુ હથિયારો અંગે થયેલી મહત્વની સંધિમાંથી બહાર નિકળી જશે. નાટોએ જણાવ્યું હતું કે, હવે સંધિને બચાવવાનો સંપૂર્ણ ભાર રશિયા પર છે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકા સંધિમાંથી બહાર નિકળી જશે અને પરમાણુ હથિયારોનો મોટો જથ્થો બનાવી નાખશે.
જોકે, સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એવું નિવેદન આવ્યું હતું કે, તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરવા માગે છે. ટ્રમ્પ સરકારે જણાવ્યું કે, રશિયાએ નોવેટર 9M729 મિસાઈલ ગોઠવી દીધી છે, જે પરમાણુ સંધિનું ઉલ્લંઘન છે. આ સંધિ અંતર્ગત જમીનથી જમીન પર ફેંકી શકાય એવી 500થી 5,500 કિમી સુધીની પ્રહાર ક્ષમતા ધરાવતી વિસાઈલ ગોઠવવા પર પ્રતિબંધ છે.