રવિવારે (15મી) ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં પુરી થયેલી કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પરફોર્મન્સ સાથે અનેક નવા રેકોર્ડ કર્યા હતા, તો ખાસ કરીને બેડમિંટન અને ટેબલ ટેનિસ જેવી સ્પર્ધાઓમાં તો વ્યક્તિગત અને ટીમ ઈવેન્ટ્સમાં પણ શાનદાર દેખાવ સાથે સંખ્યાબંધ ગોલ્ડ મેડલ્સ પહેલીવાર હાંસલ કરવા સાથે અનેક મોરચે નવી સફળતા હાંસલ કરી હતી. ટેબલ ટેનિસમાં તો એક ગુજરાતી યુવાન, સુરતના હરમીત દેસાઈએ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ સહિત બે મેડલ્સ હાંસલ કર્યા હતા. બેડમિંટન સ્ટાર સાઈના નેહવાલે લાંબા સમય પછી ફરી રંગ જમાવી વ્યક્તિગત સ્તરે મહિલા સિંગલ્સનો ગોલ્ડ મેડલ બીજીવાર પ્રાપ્ત કરી બીજો કોમનવેલ્થ મેડલ હાંસલ કર્યો હતો. આ ઈવેન્ટમાં પહેલીવાર એવું બન્યું હતું કે, બન્ને હરીફો ભારતીય હતી. સીલ્વર મેડલ પી. વી. સિંધુને મળ્યો હતો. સાઈના માટે વ્યક્તિગત સફળતાનો આ બીજો ગોલ્ડ તેમજ મિક્સ્ડ ટીમ સ્પર્ધાઓમાં પણ ગોલ્ડ સાથે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ યાદગાર બની રહી હતી. સિંધુ માટે રીયો પછી ગોલ્ડ કોસ્ટમાં પણ સિલ્વર જ રહ્યો હતો.
બેડમિંટન અને ટેબલ ટેનિસમાં ભારતીય ખેલાડીઓને અણધારી સફળતા હાંસલ કરી સૌને ચોંકાવી દીધા હતા, તો શૂટિંગમાં પણ નવોદિતો – ટીનેજર્સે શાનદાર પરફોર્મન્સ આપી ગોલ્ડ મેડલ્સની સંખ્યામાં મોટા પાયે વૃદ્ધિ હાંસલ કરી હતી.
ટેબલ ટેનિસમાં ભારત મેડલ્સ માટે ફક્ત આશાવાદી હતું, પણ આટલી જબરજસ્ત સફળતા મેળવવાની તો કોઈને અપેક્ષા નહોતી. આ ઈવેન્ટમાં ભારતે કુલ 8 મેડલ્સ મેળવ્યા હતા, જેમાં ત્રણ ગોલ્ડ, બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝનો સમાવેશ થાય છે. માનિકા બત્રાએ મહિલા સિંગલ્સમાં, મહિલા ટીમ ઈવેન્ટમા ગોલ્ડ, મહિલા ડબલ્સમાં મૌમા દાસ સાથે સિલ્વર તથા મિક્સ્ડ ડબલ્સમાં સાથિયાન જી. સાથે બ્રોંઝ મેડલ હાંસલ કર્યો હતો, સુરતના ગુજરાતી યુવા ખેલાડી હરમિત દેસાઈએ પુરૂષોની ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ તથા પુરૂષોની ડબલ્સમાં સાનિલ શેટ્ટી સાથે બ્રોંઝ મેળવ્યો હતો.
માનિકા બત્રાએ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૮માં ભારત તરફથી સૌથી વધુ ચાર મેડલ જીતવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી, જેમાં બે ગોલ્ડ અને એક સિલ્વર તેમજ એક બ્રોન્ઝ મેડલ સામેલ છે.
ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં ભારતને સૌથી વધુ સાત ગોલ્ડ સાથે ૧૬ મેડલ્સ શૂટિંગમા મળ્યા હતા. કુસ્તી અને વેઈટલિફ્ટિંગમાં પણ ભારતે પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કરતાં પાંચ-પાંચ ગોલ્ડ સાથે અનુક્રમે ૧૨ અને ૯ મેડલ્સ મેળવ્યા હતા.
સમાપન સમારંભમાં ઓસ્ટ્રેલિયાએ ફરી એક વખત મ્યુઝીક અને આતિશબાજીનો યાદગાર કાર્યક્રમ રજુ કર્યો હતો. હવે ૨૦૨૨માં કોમનવેલ્થ ગેમ્સ ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાશે. ગોલ્ડ કોસ્ટ ખાતે ભારતના અનુભવી ખેલાડીઓની સાથે સાથે યુવા ખેલાડીઓએ પણ યાદગાર દેખાવ કર્યો હતો. માત્ર ૧૫ વર્ષની ઉંમરે અનીશ ભાનવાલાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતી કોમનવેલ્થ ગેમ્સમાં ભારત તરફથી સૌથી નાની વયે કોમનવેલ્થમાં ગોલ્ડ જીતવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. શૂટિંગમાં ૧૬ વર્ષની માનુ ભાકેરે ગોલ્ડ તેમજ ૧૭ વર્ષની મેહુલી ઘોષે સિલ્વર તેમજ ૨૦ વર્ષના નીરજ ચોપરાએ જેવલીન થ્રોમાં ગોલ્ડ જીતવાની સાથે આશાસ્પદ ભવિષ્યનો ચમકારો દેખાડયો હતો. તો ૩૭ વર્ષની શૂટર તેજસ્વીની સાવંતે ગોલ્ડ અને સિલ્વર તેમજ ૩૭ વર્ષના અન્ય શૂટર સંજીવ રાજપુતે પણ ગોલ્ડન સફળતા હાસંલ કરી હતી. ૩૫ વર્ષની બોક્સર મેરી કોમે તેમજ ડિસ્ક્સ થ્રોમાં ૩૪ વર્ષની સીમા પુનિયા-એન્ટીલે ગોલ્ડ મેડલ જીતી અનુભવનો પ્રભાવ દેખાડયો હતો.