બેંક બેલેન્સના મામલે માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બસપા) દેશની તમામ રાજકીય પક્ષો અને પ્રાદેશિક પક્ષોમાં મોખરે છે. સત્તાવાર રિપોર્ટ મુજબ બસપા તરફથી 25મી ફેબ્રુઆરીએ ચૂંટણી પંચને આપવામાં આવેલી માહિતી અનુસાર તેના સરકારી બેંકોમાં રહેલા આઠ ખાતામાં 669 કરોડ રૂપિયા જમા છે.
2014ની લોકસભા ચૂંટણીમાં પોતાનું ખાતુ પણ નહીં ખોલી શકનારા બસપા પાસે 95.54 લાખ રૂપિયા રોકડ છે. ગઠબંધન સહયોગી સમાજવાદી પાર્ટી આ મામલે બીજા ક્રમે છે. તેમની પાસે અલગ-અલગ ખાતાઓમાં કુલ 471 કરોડ રૂપિયા છે. પાર્ટીએ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન 11 કરોડ રૂપિયા વાપર્યા હતા.
કોંગ્રેસ આ યાદીમાં ત્રીજા ક્રમે છે. કોંગ્રેસ પાસે 196 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ છે. જોકે, આ જાણકારી ગયા વર્ષે બીજી નવેમ્બરે ચૂંટણી પંચે જાહેર કરેલી માહિતી પર આધારિત છે. પાર્ટીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં વિજય બાદ પોતાનાં બેંક બેલેન્સની કોઈ અપડેટ આપી નથી.
ભાજપ આ યાદીમાં પ્રાદેશિક પાર્ટીઓ કરતા પણ પાછળ છે. ટીડીપી ચોથા ક્રમે અને ભાજપ પાંચમા ક્રમે છે. ભાજપ પાસે 82 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ છે જ્યારે ટીડીપી પાસે 107 કરોડ રૂપિયા બેંક બેલેન્સ છે. ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે તેમણે 2017-18માં કમાયેલી 1027 કરોડમાંથી 758 કરોડ રૂપિયાનો ખર્ચ કરી દીધો છે જે કોઈ પણ પાર્ટી દ્વારા કરવામાં આવેલા ખર્ચમાં સૌથી વધારે રકમ છે.