ન્યૂ યોર્કના ક્વીન્સ ખાતો આવેલા વેરહાઉસમાંથી મેઇલ-ઑર્ડર દ્વારા ઑપિઓઇડની ડીલીવરી કરવા બદલ આઠ જણાની ધરપકડ કરી તહોમતનામું દાખલ કરાયું છે.  ટ્રામાડોલ સહિત ભારતમાંથી આયાત કરાયેલી મીસબ્રાન્ડેડ ઑપિઓઇડની “લાખો” ગોળીઓનુ વેચાણ કરવાનો તેમની સામે આરોપ મૂકવામાં આવ્યો છે. તેઓ ક્વિન્સના વેરહાઉસમાંથી મોટા પાયે આ કામગીરી કરતા હતા.

પકડાયેલા આરોપીઓમાં એઝિલ સેઝિયન કમાલદોસ, હરપ્રીત સિંઘ, પાર્થીબાન નારાયણસામી, બલજીત સિંઘ, દીપક માનચંદા, ગુલાબ ગુલાબ, મુકુલ ચગ અને વિકાસ વર્માનો સમાવેશ થાય છે. આ બધા પર વિતરણ કરવાના ઇરાદે કૃત્રિમ ઓપીઆઈડ રાખવાનો અને કમાલડોસ ઉપર મની લોન્ડરીંગનો આરોપ મૂકાયો છે.

બ્રુકલિનમાં યુ.એસ. એટર્નીના જણાવ્યા મુજબ, તેઓ કેટલો જથ્થો મોકલી રહ્યાં છે અને કોને મેઇલ કરી રહ્યા છે તેની વિગતો એકત્ર કરાઈ છે. તેમના પર જાન્યુઆરી, 2018થી નજર હતી.

ગુરુવારે સવારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બ્રુકલિનમાં મેજિસ્ટ્રેટ જજ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. તેઓ દોષિત ઠરે તો કમાલદોસને 25 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે જ્યારે બાકીનાને વધુમાં વધુ પાંચ વર્ષની સજા થઇ શકે.