2019ની લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ગુરુવારે 95 બેઠક મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. બીજા તબક્કામાં ઘણા બધા નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે. જેમાં એક ભૂતપૂર્વ વડાપ્રધાન સહિત બે ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓનો પણ સમાવેશ થાય છે. ગુરુવારના ભૂતપૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડા, દ્રમુક નેતા દયાનિધિ મારન, એ. રાજા, કનિમોઝી, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બર, ભાજપના નેતા હેમા માલિની, બસપાના દાનિશ અલી જેવા દિગ્ગજ નેતાઓના ભાવિ દાવ પર લાગ્યા છે.

બીજા તબક્કાના મતદાનમાં 19મી માર્ચે જાહેર કરેલી સૂચના અનુસાર 13 રાજ્યની 97 બેઠકો પર મતદાન થવાનું હતું, પરંતુ તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા ત્રિપુરાની પૂર્વીય ત્રિપુરા અને તામિલનાડુની વેલ્લોર બેઠક પર થનારા મતદાન સ્થગિત કરવાને કારણે ગુરુવારે 12 રાજ્યની 95 બેઠક માટે મતદાન થશે. લોકસભાની 543 બેઠક માટે સાત તબક્કામાં ચૂંટણી હાથ ધરાશે. 11મી એપ્રિલે 20 રાજ્યની 91 બેઠક પર મતદાન થયું હતું.

ગુરુવારના મતદાનમાં તામિલનાડુની 39માંથી 38 લોકસભા બેઠકો સહિત રાજ્યની 18 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે પણ મતદાન શરૂ થઈ ગયું છે. બિહારની 40માંથી પાંચ, જમ્મુ-કાશ્મીરની છમાંથી બે, ઉત્તર પ્રદેશની 80માંથી આઠ, કર્ણાટકની 28માંથી 14, મહારાષ્ટ્રની 48માંથી 10 અને પશ્ચિમ બંગાળની 42માંથી ત્રણ બેઠક માટે મતદાન થશે. બીજા તબક્કામાં અાસમ અને ઓડિશાની પાંચ બેઠક માટે પણ મતદાન થશે.