દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનો ખતરો મંડરાઈ રહ્યો છે. લોકોના સ્વાસ્થ્ય પર તેની ભારે અસર થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં પણ પ્રદૂષણનો ખતરો હોવાના રીપોર્ટ્સ પ્રકાશમાં આવ્યાં છે. ખાસ કરીને અમદાવાદમાં દિલ્હીની જેમ પ્રદૂષણ વધી રહ્યું છે. અહીંની હવા પણ હવે શ્વાસ લેવા લાયક રહી નથી. શહેરમાં દિવાળી બાદ એર ક્વોલિટી ઇન્ડેક્સનું સ્તર ઊચું થયું છે.
સતત બે દિવસથી શહેરમાં હવા પ્રદુષણનો આંક પણ વધી ગયો છે. દિવાળી સમયે હવા પ્રદુષણ ગુડ કેટેગરીમાં હતી તે હવે આજે મૉડરેટ કેટેગરીમાં આવી ગયું છે. શહેરના પીરાણા, સેટેલાઇટ, બોપલ, રખિયાલ, રાયખડ, એરપોર્ટ, નવરંગપુરામાં પ્રદૂષણ વધ્યું છે. આ તમામ વિસ્તારોમાં AQI 110થી 160 વચ્ચે જોવા મળ્યો છે.
સોમવારે દિવસભર વાદળિયું વાતાવરણ રહ્યું હતું. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, પવનની ગતિમાં ઘટાડો થતાં ધૂળના રજકણ અને વાહનોનાં ધુમાડા વાતાવરણમાં સ્થિર થઈ ગયા હતા. આને લીધે એસજી હાઈવે પર બપોરે 12 વાગ્યે પણ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. આ ઉપરાંત વિઝિબિલિટી 1 કિલોમીટરથી પણ ઓછી હતી. આગામી બે-ત્રણ દિવસમાં રાતના તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી છે.
એક રિપોર્ટ મુજબ હવામાં ધુળના રજકણોની માત્રા 60 હોવી જોઈએ, જ્યારે ધુમાડાની માત્રા 40 હોવી જોઈએ. જેની સામે અમદાવાદમાં ધૂળના રજકણોનું પ્રમાણ નિયત કરતા ચાર ગણા વધુ 236 છે. જ્યારે ધુમાડાનું પ્રમાણ નિયત માત્રા કરતા બે ગણા વધુ 73 છે. તેની સરખામણીએ દિલ્હીમાં ધૂળના રજકણોનું પ્રમાણે 223 છે તેમજ ધુમાડાનું પ્રમાણે દેશમાં સૌથી વધુ 121 છે. આમ દિલ્હી કરતા અમદાવાદમાં ધૂળના રજકણોનું પ્રમાણ વધુ છે. જ્યારે ધુમાડાનું પ્રમાણ ઓછું છે.