હવે અમદાવાદ-મુંબઈ અત્યાધુનિક ખાનગી તેજસ ટ્રેન દોડશે. આ ખાનગી ટ્રેન દિલ્હી-લખનઉ વચ્ચે પણ દોડશે. તેના માટે IRCTC 3 વર્ષ માટે દેશની પ્રથમ પ્રાઇવેટ ટ્રેનોનું સંચાલન સોંપશે. હાલ IRCTCને આ ટ્રેનોમાં ભાડુ નક્કી કરવાની પરવાનગી અપાઈ છે.

તેજસ એક્સપ્રેસમાં ટિકિટની તપાસ પણ રેલવે સ્ટાફ નહીં કરે. ખાનગીકરણ પહેલા પરીક્ષણના ભાગરૂપે IRCTC સંચાલન કરશે. રેલ્વે વિભાગે પાયલટ પ્રોજેક્ટના ભાગરૂપે આ નિર્ણય લીધો છે. તેજસ એક્સપ્રેસ સપ્તાહમાં 6 દિવસ ચાલશે. અમદાવાદથી સવારે 6.40 વાગ્યે ઉપડી અને બપોરે 1.10 વાગ્યે મુંબઈ પહોંચશે. જ્યારે મુંબઈથી બપોરે 3.40 વાગ્યે ઉપડી અને રાત્રે 9.55 વાગ્યે અમદાવાદ પહોંચશે.

જ્યારે માર્ગમાં આ ટ્રેન વડોદરા અને સુરત સ્ટેશને રોકાશે. રેલવેએ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)ને અમદાવાદ – મુંબઈ અને નવી દિલ્હી – લખનઉ વચ્ચે આ ટ્રેન દોડાવા માટેની મંજૂરી આપી દીધી છે. ત્રણ વર્ષ બાદ અધિકારીઓ તેની સમીક્ષા કરી જરૂર જણાશે તો કોન્ટ્રાક્ટ આગળ વધારશે. આ ટ્રેનનું ભાડું ફ્લેક્સી ફેર સિસ્ટમથી વસૂલ કરવામાં આવશે. જ્યારે ટ્રેનમાં કોઈ પણ પ્રકારના કન્સેશન તેમજ ડ્યૂટી પાસને મંજૂરી આપવામાં નહીં આવે.

એજ રીતે ટ્રેનમાં રેલવેના ટીટીઈ ટિકિટ ચેકિંગ પણ કરશે નહીં. દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ હોલેજ કોન્સેપ્ટ પર દોડાવવામાં આવશે. એક ટ્રેન કે કોચને એક સ્ટેશનેથી બીજા સ્ટેશન સુધી પહોંચાડવાનો જે ખર્ચ થાય છે તેને હોલેજ ખર્ચ કહેવામાં આવે છે. રેલવે જેને પણ ટ્રેન દોડાવવા માટે આપશે તેની પાસેથી હોલેજ ખર્ચ અને તેની ઉપર થોડોક નફો ગણી ચોક્કસ રૂપિયા લેશે. જ્યારે ટ્રેન ચલાવવામાં નફો કે નુકસાન થાય એ કોન્ટ્રાક્ટરની જવાબદારી રહેશે.