ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન-4ની સમાપ્તિ થઇ ગઇ છે. 18થી 31 મે સુધીના લોકડાઉન-4માં ગુજરાતમાં કોરોનાના કુલ 5414 કેસ નોંધાયા હતા જ્યારે 379 વ્યક્તિના મૃત્યુ થયા હતા. બીજી તરફ અમદાવાદમાં લોકડાઉન-4 દરમિયાન 3760 કેસ નોંધાયા અને 319 વ્યક્તિએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે. આમ, અગાઉના ત્રણેય લોકડાઉન કરતાં લોકડાઉન-4 દરમિયાન ગુજરાત અને અમદાવાદમાંથી સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે.

કોરોનાને પગલે પ્રથમ લોકડાઉન 25 માર્ચથી 14 એપ્રિલ સુધીનું હતું. 20 દિવસના આ પ્રથમ લોકડાઉનમાં ગુજરાતમાં 615 કેસ-28 મૃત્યુ નોંધાયા હતા. આમ, પ્રથમ લોકડાઉન વખતે દૈનિક કેસની સરેરાશ 31 અને મૃત્યુની સરેરાશ 1થી વધુ હતી. 15 એપ્રિલથી 3 મે દરમિયાન જાહેર કરાયેલા લોકડાઉન-2માં ગુજરાતમાંથી 4778 કેસ-262 મૃત્યુ નોંધાયા હતા.

આમ, દૈનિક કેસની સરેરાશ વધીને 265 થઇ ગઇ હતી જ્યારે દરરોજના સરેરાશ 15 થઇ ગઇ હતી. કોરોનાના બેકાબુ રહેતા લોકડાઉન-4 જાહેર કરવામાં આવ્યું હતું. 4થી 17 મે દરમિયાન એટલે કે 13 દિવસના લોકડાઉન-4માં ગુજરાતમાં 5952 કેસ નોંધાયા હતા અને 369 વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આમ, ગુજરાતમાં લોકડાઉન-3 વખતે દૈનિક સરેરાશ 458 કેસ નોંધાઇ રહ્યા હતા અને દૈનિક સરેરાશ 28ના મૃત્યુ થતા હતા.

18થી 31 મે એમ 13 દિવસના લોકડાઉન-4માં ગુજરાતમાં દૈનિક સરેરાશ 416 કેસ-29ના મૃત્યુ થયા હતા. આમ, લોકડાઉન-3માં કેસનું જ્યારે લોકડાઉન-4માં મૃત્યુનું પ્રમાણ વધારે રહ્યું હતું. અમદાવાદમાં પણ અગાઉના ત્રણેય લોકડાઉન કરતાં વધારે મૃત્યુ લોકડાઉન-4માં નોંધાયા હતા. ગુજરાતમાં મે માસમાં જ કોરોનાના કુલ 12399 કેસ નોંધાયા છે જ્યારે 824 વ્યક્તિના મૃત્યુ થયા છે. આમ, મે માસમાં દૈનિક સરેરાશ 400થી વધુ કેસ નોંધાયા હતા.