એર ઈન્ડિયાને રોજનું રૂ. 30-35 કરોડનું નુકશાન (Photo by MONEY SHARMAAFP via Getty Images)

જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના વાઈરસના રોગચાળાના પગલે ભારતની મુખ્ય અને સરકારી માલિકીની એરલાઈન એર ઈન્ડિયાને રોજનું રૂ. 30-35 કરોડનું નુકશાન થવાની ધારણા છે.

આ સૂત્રે જણાવ્યું હતું કે, સરકારના આદેશ મુજબ એરલાઈન એકપણ કોમર્સિયલ ફલાઈટનું સંચાલન કરશે નહીં અને તેમછતાં એર ઈન્ડિયાને રોજનું રૂ. 30 થી 35 કરોડનું નુકશાન થવાનો અંદાજ છે. સ્ટાફના પગાર, એલાવન્સીઝ, લીઝ રેન્ટલ્સ, મિનિમમ મેઈનટેનન્સ તથા વ્યાજની ચૂકવણીના કારણે આ નુકશાન થશે. એર ઈન્ડિયાની દરરોજની આવકો અંદાજે રૂ. 60 થી 65 કરોડની રહે છે અને તેમાંથી મોટાભાગની આવક – લગભગ 90 ટકા મુસાફરીની રેવન્યુમાંથી થતી હોય છે. તેની સામે ખર્ચ પણ લગભગ એટલો જ હોય છે, જેના પગલે વ્યાજ, ટેક્સ, ઘસારા વગેરે ખર્ચને ધ્યાનમાં લેવાય નહીં તો એરલાઈન સામાન્ય કમાણી અને નફો કરે છે. તેની સામે એર ઈન્ડિયાનું કુલ પગાર બિલ જ લગભગ દર મહિને રૂ. 250 કરોડનું થાય છે. તે ઉપરાંત, દર મહિને વ્યાજની ચૂકવણીની જવાબદારી પણ રૂ. 225 કરોડની રહે છે.