Getty Images)

બોલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ બહુચર્ચિત ફિલ્મોમાંની એક છે, જેની સાથે દર્શકોને ઘણી આશાઓ જોડાયેલી છે. આલિયા આ ફિલ્મમાં રૂપજીવિનીની ભૂમિકામાં નજર આવશે, જેનું દિગ્દર્શન સંજય લીલા ભણસાલી કરી રહ્યા છે. ભણસાલી આ ફિલ્મ પહેલા પ્રિયંકા ચોપરા સાથે કરવા ઇચ્છતા હતા, પણ સંજોગોને કારણે એવું થઇ ન શક્યું.

લોકડાઉન પહેલા આલિયા આ ફિલ્મની શૂટિંગ કરી રહી હતી, પરંતુ મહામારીને કારણે મેકર્સને તેનું શૂટિંગ રોકવું પડ્યું હતું. દિગ્દર્શક ભણસાલી પોતાની આગામી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીનું શૂટિંગ જૂનના અંતમાં ફરી શરૂ કરે એવી શક્યતા હોવાનું ફિલ્મી કાનાફૂસી દ્વારા જાણવા મળ્યું હતું. ગંગુબાઇ કાઠિયાવાડીના નિર્માતા પહેલા ફિલ્મનો સેટ તોડવા વિશે વિચારી રહ્યા હતા, પણ તેમણે આખરે નિર્ણય બદલ્યો હતો. ફિલ્મનો સેટ હાલ એવો જ છે, પણ તેમાં રિપેરિંગની જરૂર છે.

હાલમાં નિર્માતા ફિલ્મના શૂટિંગની પરવાનગી માટે પ્રયાસ કરી રહ્યા છે અને જૂન મહિનાના અંત સુધી શૂટિંગ શરૂ થાય એવો અંદાજ પણ તેઓ લગાવી રહ્યા છે. ભણસાલીએ જ્યારે ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીની જાહેરાત કરી ત્યારે મીડિયાને એવી જાણકારી આપવામાં આવી કે તેમાં અજય દેવગણની એન્ટ્રી થઇ શકે છે.

ભણસાલીએ અજય દેવગણને કરીમ લાલાની ભૂમિકાની ઓફર કરી છે. આવી અટકળો અંગે હજી સુધી સત્તાવાર જાહેરાત કરી નથી, પણ જો એવો થાય તો ફિલ્મમાં અજયની આલિયા સાથે આ બીજી ફિલ્મ હશે. આ ઉપરાંત બંને કલાકારો રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’માં પણ નજરે પડશે.