ક્રિતી સૅનન અને અક્ષયકુમાર ફરી સાથે કામ કરશે. ‘હાઉસફુલ 4’માં સાથે કામ કર્યા બાદ આ જોડી ફરી સાથે જોવા મળશે. અક્ષયકુમારની ૨૦૨૦ની ક્રિસમસ પર રિલીઝ થનારી ‘બચ્ચન પાન્ડે’માં ક્રિતી જોવા મળશે એવી ચર્ચા ચાલી હતી. જોકે આ ચર્ચા પર હવે સાજિદ નડિયાદવાલાની મોહર લાગી ગઈ છે. નડિયાદવાલા ગ્રૅન્ડસન પ્રોડક્શન હાઉસ દ્વારા ટ્વિટર પર આ વિશે જાહેરાત આપવામાં આવી હતી. આ ફિલ્મને ફરહાદ સામજી ડિરેક્ટ કરી રહ્યો છે. ક્રિતીનો ફોટો શૅર કરી પ્રોડક્શન હાઉસે ટ્વીટ કર્યું હતું કે ‘અમને એ જણાવીને ખૂબ જ ખુશી થાય છે કે ચાર્મિંગ ક્રિતી સૅનન તમારી ૨૦૨૦ની ક્રિસમસને વધુ સુંદર બનાવવા માટે આવી દઈ છે. ‘બચ્ચન પાન્ડે’ દ્વારા નડિયાદવાલા ગ્રૅન્ડસન એન્ટરટેઇનમેન્ટ ફૅમિલીમાં તારું સ્વાગત છે.’આ ફિલ્મને લઈને હાલમાં એવી ચર્ચા ચાલી હતી કે એની ટક્કર આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ સાથે નહીં થાય કારણ કે સ્ક્રિપ્ટ પર ફરી કામ કરવામાં આવી રહ્યું છે. જોકે હિરોઇનની પસંદગીની જાહેરાત કરવાથી એવું લાગી રહ્યું છે કે ક્રિસમસ પર રિલીઝ કરવાની તેમની પૂરેપૂરી તૈયારી છે.