ગયા વર્ષે ભારતમાંથી પ્રત્યાર્પણ કરાયેલા 35 વર્ષીય અમન વ્યાસને યુકેમાં એક દાયકા કરતા પણ વધારે સમય પહેલાં મિશેલ સમરવીરા પર બળાત્કાર કરી તેની હત્યા કરવાના અને અન્ય ત્રણ મહિલાઓ પર બળાત્કાર કરવાના ગુના બદલ તા. 30 જુલાઇના રોજ દોષીત ઠેરવવામાં આવ્યો હતો. આ ગુનાઓ તેણે માર્ચ 2009 અને મે 2009 દરમિયાન નોર્થ ઇસ્ટ લંડનમાં વૉલ્ધામસ્ટોની આજુબાજુના વિસ્તારોમાં આચર્યા હતા

સમરવીરાની હત્યા બદલ દોષી સાબિત થવા ઉપરાંત, ગુરુવારે લંડનની ઓલ્ડ બેઇલી કોર્ટમાં ચાલી રહેલા સુનાવણીના અંતે વ્યાસને ગંભીર શારીરિક નુકસાન પહોંચાડવાના એક કાઉન્ટ અને બળાત્કારના છ કાઉન્ટ બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને સાઉથ લંડનની ક્રોયડન ક્રાઉન કોર્ટમાં તા. 21 ઓગસ્ટના રોજ સજા થશે.

મેટ પોલીસના ડિટેક્ટીવ સાર્જન્ટ શાલીના શેખે જણાવ્યું હતું કે, “આ કેસમાં ન્યાય માટે લાંબી રાહ જોવામાં આવી હતી પરંતુ આખરે પીડિતો અને તેમના પરિવારો જવાબદાર વ્યક્તિને સજા થતી જોઇ શકશે. ગુના સ્થળેથી મળેલા ડીએનએ અમારી પાસે હતા પરંતુ વ્યાસ ડીએનએના ડેટાબેઝ પર ન હતો. વળી તે ભોગ બનેલા લોકો માટે પણ સંપૂર્ણ અજાણી વ્યક્તિ હતો. આમ તેમને ન્યાય અપાવવા માટે અસાધારણ તપાસની જરૂર હતી. આ કેસ 10 વર્ષથી વધુ સમય ચાલ્યો હતો અને અંતે લાંબી પ્રત્યાર્પણ પ્રક્રિયા ચાલી હતી.”

10 વર્ષ પહેલાં વ્યાસને શોધવા શરૂ થયેલી તપાસમાં 2011 માં પોલીસ પૂછપરછમાં એક તબક્કે જાહેર થયું કે વ્યાસ ન્યુઝીલેન્ડમાં છે, ત્યારબાદ તે સિંગાપોર ગયો હતો. જુલાઈ, 2011 માં અમન વ્યાસ ભારતના નવી દિલ્હી એરપોર્ટ પરથી વિદેશ જતા પકડાયો હતો. પ્રત્યાર્પણની કાર્યવાહી પછી તેને ઑક્ટોબર, 2019માં તેને યુકે લવાયો હતો.

કોર્ટમાં જણાવાયું હતું કે અમન વ્યાસ 24 વર્ષનો હતો ત્યારે તેણે ગુના કરવાની શરૂઆત કરી હતી. તે વહેલી સવારે એકલી નીકળતી મહિલાઓને લક્ષ્ય બનાવતો અને તેણે વૉલ્ધામસ્ટોના પ્રમાણમાં નાના વિસ્તારમાં ગુના આચર્યા હતા.

પહેલી ઘટનામાં 59 વર્ષની મહિલા ઘરે પરત ફરતી હતી ત્યારે તેણે મહિલાના ફ્લેટ સુધી તેનો પીછો કરી મહિલાએ ફ્લેટ ખોલતાં જ તેને દર ધકેલી દઇ તેના ચહેરા પર વારંવાર મુકા મારી બળાત્કાર ગુજાર્યો હતો. તે મહિલાને હોસ્પિટલમાં ચહેરા પર ઉઝરડા, સોજો અને એક આંખમાંથી લોહી નીકળતું હોવાથી સારવાર આપવામાં આવી હતી.

બીજા હુમલામાં અમન વ્યાસે ફરવા નીકળેલી 46 વર્ષીય મહિલાનો સંપર્ક કરી તેને ડ્રગ લેવી છે તેમ જણાવ્યું હતુ. પાછા ફરતા વખતે તે મહિલાને ગલીમાં લઇ ગયો હતો અને છરી મારી ચહેરા પર ઘા કરી બળાત્કાર ગુજાર્યો હતો અને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

ત્રીજો હુમલો તે સુપરમાર્કેટમાંથી ઘરે પાછી વળતી 32 વર્ષીય મહિલા પર કર્યો હતો. તે મહિલા જડબા અને નાકના ફ્રેક્ચર તેમજ માથામાં વાગેલા ચાકુની સારવાર માટે એક મહિનાથી વધુ સમય સુધી હોસ્પિટલમાં હતી. તેને ઓઢાડવામાં આવેલા બ્લેન્કેટ પરથી મળેલા ડીએનએના આધારે આ ગુના એક જ વ્યક્તિએ કર્યા હોવાનું જણાયું હતું.

એકલા રહેતા 35 વર્ષીય વિધવા સમરવીરાની હત્યા તેનો અંતિમ હુમલો હતો. પોસ્ટમોર્ટમ તપાસમાં માલૂમ પડ્યું હતું કે તેણીનું ગળું દબાવીને જાતીય હુમલો કરવામાં આવ્યો હતો.

શનિવારે, તા. 30 મે 2009, સીસીટીવી કેમેરામાં માર્કહાઉસ રોડની એક દુકાનમાંથી મિશેલને નાસ્તાની ખરીદી કરતા જણાઇ હતી. તે વખતે વ્યાસ દુકાનમાં જણાયો હતો. સમરવીરા દુકાન છોડીને ક્વીન્સ રોડ પર એક નાના પાર્કમાંથી ચાલતી જતી હતી ત્યારે લગભગ રાત્રે 1:30 કલાકે લોકોએ તેની ચીસો સંભળી હતી. જો કે પોલીસને બોલાવવામાં આવી ન હતી. બીજે દિવસે સવારે 5:15 વાગ્યે એક ડોગ વૉકરે સમરવીરાની ઓછા કપડામાં દેખી પોલીસ અને લંડન એમ્બ્યુલન્સ સર્વિસને બોલાવતા તેણીને ઘટના સ્થળે મૃત જાહેર કરાઈ હતી.

પોલીસે કુલ 4 જણાની ધરપકડ કરી હતી પરંતુ જો કે તમામને છોડવામાં આવ્યા હતા. પોલીસ, સ્થાનિક વિસ્તારના 1815 ઘરોની પૂછપરછ, કરી 1100 ડીએનએ સ્વેબ લીધા હતા. પોલીસે શંકાસ્પદ વ્યક્તિની ઇ-ફીટ તસવીરો, મીડિયા અપીલ, રોયલ મેઇલ દ્વારા 60,525 પોસ્ટરોની વૉલ્ધામસ્ટો વિસ્તારમાં વહેંચણી કરવામાં આવી હતી. જેમાં એક વ્યક્તિએ પહેરેલા વિશિષ્ટ જેકેટને આધારે શંકાસ્પદ વ્યક્તિ તેનો પૂર્વ કર્મચારી હોવાનું અને તે જુલાઈ, 2009માં દેશ છોડીને ભાગી ગયો હતો. વ્યાસના કુટુંબનો એક સભ્ય પણ ત્યાં કામ કરતો હોવાથી વ્યાસના એમ્પલોયરે તે સગાએ પીધેલા પાણીની બોટલ પોલીસને આપી હતી. જેના પરથી મળેલા ડીએનએના આધારે તેમના અને વ્યાસના ડીએનએમાં પારિવારિક સામ્યતા જણાઇ હતી.

સમરવીરાની હત્યાના એક મહિના પછી તા. 2 જુલાઈ, 2009 ના રોજ તે ભારતની વન-વે ટિકિટ ખરીદી ભાગી ગયો હતો. વ્યાસને શોધવા વ્યાપક અપીલો કરવામાં આવી હતી અને હજારો ઘરો અને બિઝનેસીસનો સંપર્ક વ્યક્તિગત રૂપે અથવા પત્રિકાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.