રાજ્યસભાના શિયાળુ સત્રમાં મંગળવારે SPG બિલ 2019 પાસ કરી દેવામાં આવ્યું છે. આ પહેલા 27 નવેમ્બરે આ બિલ લોકસભામાંથી પાસ કરવામાં આવ્યું હતું. જોકે બિલ પાસ થતાં તેના વિરોધમાં કોંગ્રેસ સદનમાંથી વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસે આ મામલે સ્પષ્ટતા કરી કે તે ગૃહમંત્રી શાહના જવાબથી સંતુષ્ટ નથી.

આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે ગૃહ રાજ્યમંત્રી જી.કિશન રેડ્ડી તરફથી રજૂ કરરવામાં આવેલું એસપીજી બિલ પર સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે SPG એક્ટ માત્ર પીએમ કે વ્યક્તિગત સુરક્ષાની ચિંતા નથી કરતો પરંતુ અન્ય પાંસાઓમાં પણ સુરક્ષા પ્રદાન કરે છે. શાહે કહ્યું કે થ્રેટનો સવાલ છે માત્ર ગાંધી પરિવાર પરંતુ 130 કરોડ ભારતીયોની સુરક્ષાની જવાબદારી સરકારની છે, તો એસપીજીની જીદ કેમ કરવામાં આવી રહી છે.

શાહે કહ્યું કે એક-બે સભ્યોએ જણાવ્યું કે બિલ એકાદ-બે પરિવારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. જે જૂનો કાયદો હતો તેના મુજબ ગાંધી પરિવારની સુરક્ષાની સમીક્ષા કરી હટાવી લેવામાં આવી.

આ પહેલા બિલ પર ચર્ચા દરમિયાન બીજેપી સાંસદ જીવીએલ નરસિંહ રાવે કહ્યું કે, ગાંધી પરિવારને કોનાથી ખતરો છે, પહેલા એ સ્પષ્ટતા કરો. શું તમને એ કોંગ્રેસી સર્મથકોથી ખતરો છે જે બોલાવ્યા વગર તમારા ઘરે ચાલ્યા આવે છે. ઇન્દિરા ગાંધીની હત્યા દુર્ભાગ્યપૂર્ણ હતી, પરંતુ આ હત્યા એક અતિવાદી દ્વારા કરવામાં આવી હતી.

જીવીએલના આ વિવાદીત નિવેદન પર સદનમાં હાજર તમામ કોંગ્રેસી ઉભા થઇ ગયા હતા. જો કે શાહે આ નિવેદન પર સ્પષ્ટતા કરી હતી કે, જીવીએલ માત્ર હત્યાનું કારણ દર્શાવી રહ્યા હતા જેઓ હત્યાનું સમર્થન ન હોતા કરી રહ્યા. તેમણે જીવીએલના આ નિવેદનને રેકોર્ડમાંથી હટાવવા અપીલ કરી હતી.