બંધ થઇ ચૂકેલી રિલાયન્સ કોમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણીએ ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધુ છે. શુક્રવારે જાહેર થયેલા ત્રિમાસિક પરિણામો મુજબ કંપનીને ત્રીસ હજાર કરોડ રુપિયાથી પણ વધારે નુકસાન થયું છે. કોર્પોરેટના ઇતિહાસમાં આ નુકસાન વોડાફોન-આઇડિયા પછી બીજુ સૌથી મોટુ નુકસાન છે. કંપનીએ તાજેતરમાં કરેલી જાહેરાત મુજબ અનિલ અંબાણી સહિત છાયા વિરાની, રાયના કારાની, મંજરી કાકેર અને સુરેશ રંગાચરે પણ રાજીનામા આપ્યા છે. જેમાંથી અનિલ અંબાણી, છાયા વિરાની અને મંજરી કાકેરે 15 નવેમ્બરે રાજીનામું આપ્યું હતું,જ્યારે રાયના કારાનીએ 14 નવેમ્બરે અને સુરેશ રંગાચરે 13 નવેમ્બરે રાજીનામું આપ્યું હતું.

વર્તમાન સમયમાં પ્રાઇવેટ સેક્ટર મંદીની માર ઝેલી રહ્યું છે. ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઓ આર્થિક મંદીની અસર હેઠળ આવી ચૂકી છે. જેમાં એક સમયની દેશની અગ્રણી કંપનીઓમાં સામેલ રિલાયન્સ કોમ્યુનિકેશન પણ બાકાત નથી રહી. દેવા હેઠળ દબાયેલી આરકોમના જૂલાઇ-સપ્ટેમ્બરના ત્રિમાસિક પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જે મુજબ કંપનીને આશરે 30,142 કરોડ રુપિયાનું નુકસાન પહોંચ્યું હતું. દેવાળિયા પ્રક્રિયામાં ચાલી રહેલી આરકોમે ગત નાણાકીય વર્ષના આજ સમયગાળામાં 1,141 કરોડ રુપિયાનો ચોખ્યો નફો મેળવ્યો હતો.

આરકોમનું કુલ દેવુ 23,327 કરોડ રુપિયાનું લાયસન્સ ફી અને 4,987 કરોડ રુપિયા સ્પેક્ટ્રમ ફી સામેલ છે. આરકોમ અને તેની સહાયક કંપનીઓએ 1,210 કરોડ રુપિયાનું વ્યાજ અને 458 કરોડ રુપિયાના વિદેશી મુદ્રા માટે કોઇ જોગવાઇ કરી ન હતી. આરકોમનું કહેવું છે કે જો કંપની આ જોગવાઇ કરે છે તો તેનું નુકસાન વધીને 1,668 કરોડ રુપિયા વધી જશે. ત્રિમાસિક દરમિયાન કંપનીની ઓપરેટિંગ ઇન્કમ ઘટીને 302 કરોડ રુપિયા થઇ ગઇ હતી જે ગત નાણાકીય વર્ષના સરખા સમયગાળામાં 977 કરોડ રુપિયા હતી. શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં આરકોમના શેરની કિંમત 3.28 ટકા તૂટીને 0.59 પૈસા પર બંધ થઇ હતી.