Getty Images)

અનીલ અંબાણીની મુશ્કેલીઓનો અંત આવતો નજરે પડતો નથી. યસ બેન્કે અનીલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ ના સાંતાક્રુઝમાં આવેલા હેડકવાર્ટર રિલાયન્સ સેન્ટરને કબજે કર્યું છે. ગ્રુપ ઉપર યસ બેન્કની કુલ રૂ. 12,000 કરોડ લોન બાકી છે અને તાજેતરમાં બાકી નીકળતા રૂ. 2892 કરોડની ચુકવણી ન કરી શકતા બેન્કે રિકન્સ્ટ્રકશન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ હેઠળ કંપનીની એસેટ્સ પર કબજો કર્યો છે.

યસ બેન્કે જણાવ્યું હતુ કે, રૂ. 2,892.44ની રિકવરી માટે બેન્કે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને 6 મેના રોજ નોટિસ આપી હતી. નોટિસ આપ્યાના 60 દિવસ થવા છતાં ADAGએ બાકી નીકળતી રકમનું ચુકવણું કર્યું નહિ તેથી બેન્કે 22 જુલાઈએ કંપનીની ત્રણ પ્રોપર્ટીઓ પર કબજો કર્યો હતો.

આ વર્ષે 23 જુને અનિલ અંબાણીએ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આ નાણાકીય વર્ષમાં દેવામાંથી સંપૂર્ણ મુક્ત કરવામાં આવશે તેવો દાવો કર્યો હતો. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રૂ. 6,000 કરોડનું દેવું છે. 2018માં ગ્રુપે પોતાનો મુંબઈનો એનર્જી બિઝનેસ અદાણી ટ્રાન્સમિશનને રૂ. 18,800 કરોડમાં વેચ્યો હતો. આ વેચાણથી ગ્રુપના કુલ દેવામાંથી રૂ. 7,500 કરોડનું દેવું ઓછુ થયું હતું.