પબ્લિક હેલ્થ ઇંગ્લેંડે એનએચએસ સાથેના સહયોગમાં લોકોના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને સુધારવા તથા અન્ય લોકોને મદદ કરવા “એવરી માઈન્ડ મેટર્સ” કેમ્પેઈન શરૂ કરી છે. તે અંતર્ગત લોકોને પોતાનું માનસિક સ્વાસ્થ્ય સુદ્રઢ કરવા અને સુધારવામાં મદદ કરાશે. સર્વે દર્શાવે છે કે એશિયન પૃષ્ઠભૂમિના 82% લોકો નબળા માનસિક સ્વાસ્થ્યના પ્રારંભિક ચિહ્નો અનુભવી રહ્યા છે, જેમાં ચિંતા, તાણ, મૂડ ઓછો રહેવો અથવા છેલ્લા 12 માસમાં ઉંઘની મુશ્કેલીઓ સામેલ છે. આ તકલીફો સામાન્ય પરિવર્તનના કારણે પણ હોઈ શકે છે. જો કે, જીવનના આ પડકારો સામે પગલાં લેવાય નહિ તો તે વધુ ગંભીર બની શકે છે.
શારીરિક સ્વાસ્થ્ય જેટલી જ માનસિક સ્વાસ્થ્યની સંભાળ રાખવી મહત્વની છે. નબળા માનસિક સ્વાસ્થ્યના સંકેતોનો અનુભવ કર્યો હોય તેમાંના 28% લોકોએ ઓછામાં ઓછા છ મહિના રાહ જોઇ હતી. લાંબી પ્રતીક્ષા કરનારામાંથી 69%એ કહ્યું કે તેઓ શરૂઆતમાં જાણતા નહોતા કે તેમના માનસિક સ્વાસ્થ્ય માટે શું પગલાં લેવાય છે.
સર્વેમાં જાણવા મળ્યું હતુ કે ‘’એશિયન પૃષ્ઠભૂમિના લોકોમાંના 47% લોકો માનસિક સ્વાસ્થ્ય વિશે ચિંતા અનુભવ્યા પછી સામાજિક પરિસ્થિતિ અથવા મિત્રો અને પરિવારના લોકોનો સંપર્ક ટાળતા હતા. 4૦% લોકો ધૂમ્રપાન, દારૂ, બિન આરોગ્યપ્રદ ખોરાક અથવા રીક્રીએશનલ ડ્રગ લેતા થયા હતા. 24% લોકોને માનસિક સ્વાસ્થ્યની તકલીફ હોવા છતા કામ માટે બોલાવાયા હતા. જેમણે પગલાં લીધાં હતા તેમાંના 36% લોકોએ બિમારી તેમના દૈનિક જીવનને અસર કરવા લાગી ત્યારે જ સારવાર શરૂ કરી હતી.
એવરી માઇન્ડ મેટર જીવનના ઉતાર-ચઢાવ માટે વધુ સારી રીતે તૈયાર થવા લોકોને સરળ પગલાં બતાવે છે. આ નવા પ્લેટફોર્મને રોયલ કૉલેજ ઑફ જનરલ પ્રેક્ટિશનર્સ (આરજીસીપી) એ સમર્થન આપ્યું છે, તે લોકોને તાણનો સામનો કરવા, મૂડ સુધારવા, નિંદ્રામાં સુધારો કરવા કઇ રીતે જાતે જ સંભાળ લેવી તેની ભલામણ કરી વ્યક્તિગત પગલા લેવા યોજના બનાવશે.
એવરી માઈન્ડ મેટર્સને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ ફિલ્મ રીચાર્ડ કર્ટિસની સ્ક્રિપ્ટ સાથે રેન્કિન દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. ડ્યુક અને ડચેસ ઑફ કેમ્બ્રિજ અને ડ્યુક અને ડચેસ Sફ સસેક્સે એ વિશેષ ફિલ્મમાં પોતાનો અવાજ આપી એવરી માઈન્ડ મેટર્સને સમર્થન આપ્યું છે. શક્તિશાળી ફિલ્મમાં ઘણા લોકોની લાક્ષણિકતાઓ દર્શાવવામાં આવી છે જેમના જીવન નબળા માનસિક સ્વાસ્થ્યથી પ્રભાવિત થયા છે. તેમાં જાણીતા ચહેરા કાસ્ટ કરાયા છે.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કહ્યું હતું કે “આપણું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય એક એવી સંપત્તિ છે જેની કાળજી લેવાની જરૂર છે. એવરી માઇન્ડ મેટર્સ કોમ્પ્યુટર પર ક્લિક કરવાની સાથે આપણી સુખાકારીનું સંચાલન કરવામાં સહાય કરશે અને કથળેલા માનસિક સ્વાસ્થ્યની સ્થિતિમાં જીવતા લોકોને મહત્વનો આપશે, જીવનના દૈનિક સંઘર્ષોનો કેવી રીતે સામનો કરવો તે અંગે દરેકને મૂલ્યવાન અને વ્યકિતગત ટીપ્સ આપશે.”
મેંગ ખા, પીએચઇના ઇસ્ટ મિડલેન્ડ્સના સેન્ટર ડાયરેક્ટરએ કહ્યું હતુ કે “કેટલીકવાર લોકો જાણતા નથી કે માનસિક સ્વાસ્થ્યમાં મદદ માટે ક્યાં જવું. કેટલાક દક્ષિણ એશિયાઈ સમુદાયોમાં હજી પણ નબળું માનસિક સ્વાસ્થ્ય સામાજિક લાંછન સાથે જોડાયેલું છે. હવે દરેકને સહાયતા કરવામાં આવશે.”
ટીવી ડોક્ટર રંજ સિંહે કહ્યું હતુ કે ‘’હું દક્ષિણ-એશિયન સમુદાયોના લોકો સહિત આખા દેશને પ્રોત્સાહન આપવા માંગુ છું કે તેઓ પોતાના માનસિક સ્વાસ્થ્યની દેખરેખ રાખવા માટે વધુ મજબૂત બને.”
સ્વસ્થ મન માટે સરળ પગલા લેવા અને તમારો બેસ્પોક એક્શન પ્લાન બનાવવા એવરી માઇન્ડ મેટર્સ વેબસાઇટની મુલાકાત લો. www.everymindmatters.co.uk