મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા પછી ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે સરકાર બનાવવાને લઈને ખેંચતાણ ચાલી રહી છે. શિવસેના હજુ પણ સીએમ પદ પર અડગ છે. પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે શિવસેના હજુપણ સીએમ પદની માંગણી પર અડગ છે.

ગર્વનરને મળ્યા પછી બીજેપી નેતાઓના પ્રેસ કોન્ફરન્સના જવાબમાં રાઉતે કહ્યું હતું કે બીજેપી જો સરકાર બનાવી નથી રહી તો એ સ્પષ્ટ છે કે તેની પાસે બહુમત નથી. તે રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ઇચ્છા રાખે છે. જો તે સરકાર બનાવી શકતા નથી તો તે જણાવે કે અમારી પાસે બહુમત નથી. જો તે રાજ્યપાલને મળીને આવ્યા છે તો તેમેણે 145 ધારાસભ્યોની યાદી તેમને સોંપવી જોઈતી હતી.

રાઉતે પાર્ટીના ધારાસભ્યોને કહ્યું છે કે અમારી માંગણી હજુ પણ બદલી નથી. બીજેપીને પડકાર આપતા રાઉતે કહ્યું કે અમારી સાથે બ્લેકમેલિંગ ચાલશે નહીં. જ્યારે બીજેપી ગર્વનર પાસે ગઈ તો પછી સરકાર રચવાનો દાવો કેમ રજુ કર્યો નહીં. અમે સીએમની માંગણી પર યથાવત્ છીએ. સરકારમાં શિવસેનાનો મુખ્યમંત્રી હોવો જોઈએ.

બીજેપી ઉપર સંવિધાનનો ઉલ્લંઘનનો આરોપ લગાવતા રાઉતે કહ્યું હતું કે સંવિધાનનો પેચ ચાલશે નહીં. અમને સંવિધાન ખબર છે અને અમે તેની અંદર રહીને રાજ્યમાં શિવસેનાનો સીએમ બનાવીશું. સંજય રાઉતે કહ્યું હતું કે જનાદેશ ફક્ત ગઠબંધનને મળ્યું નથી પણ આ દરમિયાન જે વાતો થઈ તેને પણ મળ્યું છે. કોઈ ગઠબંધન આવી રીતે ચાલે નહીં. નક્કી કરેલી વાતોને ભુલીને ગઠબંધન ચલાવી શકાય નહીં.