બ્રિટનના લંડન બ્રિઝ ઉપર એક વ્યક્તિએ ચાકુથી હુમલો કરતા બે લોકોના મોત થઈ ગયા છે. જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ છે. પોલીસે હુમલાખોને ઠાર કર્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલો કરનારે નકલી વિસ્ફોટક જેકેટ પણ પહેર્યું હતું. તેણે બ્રિઝ ઉપર રહેલા લોકોને વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ત્યાર પછી પોલીસે તેને ગોળી મારી દીધી હતી. હુમલો કરનારની ઓળખ થઈ ગઈ છે તે 28 વર્ષનો ઉસ્માન ખાન છે.

તે પાકિસ્તાન મૂળનો હોવાનું બહાર આવ્યું છે. 2012માં વિસ્ફોટ કરવાના ષડયંત્રમાં તે દોષી હતો. 2018માં તેને જામીન ઉપર છોડવામાં આવ્યો હતો. લંડનના કાઉન્ટર ટેરરિઝમ ઓફિસર નીલ બાસુએ કહ્યું કે ઘટના પછી શહેરમાં પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ભીડવાળા વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવશે. 2017માં આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના આતંકીઓએ લંડન બ્રિઝ નજીક લોકોને ટ્રકથી ટક્કર મારી હતી.

ત્યાર પછી ચાકુથી હુમલાની ઘટનામાં 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને ટ્વિટ કરીને ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું કે મારી સંવેદના મૃતક પરિવારની સાથે છે. ઈમરજન્સી સેવા અને એ નાગરિકોનો આભાર જેઓ એકબીજાને બચાવવા માટે બહાદૂરીપૂર્વક આગળ આવ્યા.