વેમેડના વિજયભાઇ અને ભીખુભાઇ પટેલની માલિકીની ફાર્માસ્યુટીકલ કંપની એટનાહ્સે હાયપરટેન્શન અને બ્લડ પ્રેશરની સારવાર માટે લેવાતી પાંચ દવાઓનુ ઉત્પાદન કરવાના હક્ક બ્રિટનની સૌથી મોટી દવા કંપનીઓમાંની એક એસ્ટ્રાઝેનેકા પાસેથી ખરીદ્યા છે. એટનાહ્સ પહેલા તબક્કે 350 મિલિયન ડોલર અને પછીના બે વર્ષમાં 40 મિલિયન ડોલર ચૂકવશે.
એસ્ટ્રાઝેનેકા અમેરિકા અને ભારતમાં તે દવાના અધિકારો અગાઉ વેચી ચૂકી છે. એટનાહ્સ એસેક્સના બેઝિલ્ડનમાં એક સાઇટ ધરાવે છે. એસ્ટ્રાઝેનેકા હાલ દવાઓ બનાવવાનું અને સપ્લાય કરવાનું ચાલુ રાખશે, જેમાં ઇન્દ્રલ અને ટેનોરમિન સામેલ છે. કરાર દ્વારા આવરી લેવાયેલી આ દવાઓનું અત્યારે 132 મિલિયનનું ડોલરનુ વાર્ષિક વેચાણ થાય છે. એસ્ટ્રાઝેનેકા તેની નવી દવાઓના પ્રોજેક્ટમાં રોકાણને પ્રાધાન્ય આપવા જૂની દવાઓનો નિકાલ કરે છે, જેમાં ઘણી ઓન્કોલોજીની દવાઓ સામેલ છે. કેમ્બ્રિજસ્થિત એસ્ટ્રાઝેનેકાની સ્થાપના સ્વીડનની એસ્ટ્રા અને બ્રિટનના ઝેનેકાના સંયોજનથી 1999માં થઈ હતી. આ બંને ભાઇઓએ પોતાની કંપનીનું નામ એટનાહ્સ (Atnahs) માતા શાંતાબાના નામ પરથી રાખ્યુ છે. Shantaનો સ્પેલીંગ ઉંધો કરો તો Atnahs થાય છે.