એશિઝ 2019ની પ્રથમ ટેસ્ટમાં એજબેસ્ટન ખાતે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 251 રને હરાવ્યું હતું. આ સાથે કાંગારુંએ 5 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે. અંતિમ દિવસે 398 રનનો પીછો કરતા ઇંગ્લેન્ડની ટીમ 52.3 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ થઇ હતી. પાંચમા દિવસની પિચ પર તેમણે ઓફ સ્પિનર નેથન લાયન સામે હથિયાર હેઠા મૂકી દીધા હતા. લાયને 6 વિકેટ ઝડપી હતી અને તેમજ ટેસ્ટમાં 350 વિકેટ પૂરી કરી હતી. મેચમાં 286 રન બનાવનાર સ્ટીવ સ્મિથનો ઓસ્ટ્રેલિયાની જીતમાં સિંહફાળો હતો.
છેલ્લા દિવસે ઇંગ્લેન્ડની બધી વિકેટ હાથમાં હતી અને તેમને મેચ બચાવવા 90 ઓવર રમવાનું હતું. જોકે તેઓ ફેન્સની આશા પ્રમાણે દેખાવ કરી શક્યા ન હતા. પાંચમા દિવસની પિચ પર નેથન લાયનના સ્પિન સામે ઇંગ્લેન્ડની ટીમ ફેલ થઇ હતી. તેમના 6 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા.
ઓપનર જેસન રોય અને કેપ્ટન જો રૂટને શરૂઆત મળી હતી પરંતુ તેઓ તેને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યા ન હતા. બંને 28 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થયા હતા. જયારે ક્રિસ વોકસે 9મા ક્રમે 37 રન કર્યા હતા. કોઈ પણ બેટ્સમેન 30 રનનો આંક વટાવી શક્યું ન હતું.
ઓસ્ટ્રેલિયાએ સ્ટીવ સ્મિથ અને મેથ્યુ વેડની સદી થકી ઇંગ્લેન્ડને 398 રનનો લક્ષ્યાંક આપ્યો છે. સ્મિથે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા બીજી ઇનિંગ્સમાં પણ સદી મારી હતી. તેણે 207 બોલમાં 14 ચોક્કાની મદદથી 142 રન કર્યા હતા. જયારે તેની જેમ જ કમબેક કરી રહેલા વેડે પણ 143 બોલમાં 17 ચોક્કાની મદદથી 110 રનની ઇનિંગ્સ રમી હતી.
ઓસ્ટ્રેલિયા માટે દિવસની શરૂઆતમાં સ્મિથ સાથે સારું યોગદાન આપતા ટ્રેવિસ હેડે 51 રન કર્યા હતા. જયારે કેપ્ટન ટિમ પેને 34 રનનું યોગદાન આપ્યું હતું. જેમ્સ પેટિન્સન અને પેટ કમિન્સે આઠમી વિકેટ માટે 78 રન જોડ્યા હતા. ઇંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે 3 વિકેટ અને મોઇન અલીએ 2 વિકેટ લીધી હતી. ઇંગ્લિશ ઓપનર રોરી બર્ન્સ સોમવારે ટેસ્ટ મેચના પાંચેય દિવસ બેટિંગ કરનાર દસમો ખેલાડી બનશે. તેની પહેલા 9 બેટ્સમેન આ જૂજ રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યા છે.