ભારતીય બેડમિંટનની સુપરસ્ટાર પી. વી. સિંધુએ સ્વીત્ઝરલેન્ડમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં રવિવારે જાપાનની નોઝોમી ઓકુહારાને 21-7, 21-7થી હરાવીને વિમેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. સિંધુ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનારી સૌપ્રથમ ભારતીય ખેલાડી છે. તે સતત ત્રીજા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચી હતી અને ત્રીજા પ્રયત્ને પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો છે.
ભારતના જ સાઈ પ્રણીતે મેન્સ સિંગલ્સમાં 36 વર્ષ પછી દેશને બ્રોંઝ મેડલ અપાવ્યો હતો. 1983માં લેજન્ડરી ખેલાડી પ્રકાશ પદુકોણેએ બ્રોન્ઝ મેળવ્યો હતાે. સિંધુ અગાઉ 2017 અને 2018ની ફાઈનલ્સમાં અનુક્રમે ઓકુહારા અને કેરોલિના મરીન સામે હારી જતાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. સિંધુએ આ વખતે સેમિફાઈનલમાં ચીનની ચેન યુફેઈને 21-7, 21-14થી હરાવી હતી.