ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ વર્લ્ડ કપની સાઉથ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં પહેરેલા ગ્લોવ્ઝના કારણે વિવાદ ઊભો થયો છે. ધોનીએ પોતાના ગ્લોવ્ઝ પર ભારતીય પેરા ફોર્સના બલિદાન બેઝનું ચિન્હ લગાવ્યું છે. જેની સામે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઈસીસી) વાંધો ઉઠાવ્યો છે અને તેને હટાવી દેવાનું કહ્યું છે.

જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) ધોનીનું સમર્થન કર્યું છે. આઈસીસીએ બીસીસીઆઈને અપીલ કરી છે કે તે ધોનીના ગ્લોવ્ઝ પર લગાવવામાં આવેલા ચિન્હને હટાવી લે. આઈસીસીનું કહેવું છે કે નિયમો મુજબ કોઈ પણ અન્ય પ્રતિકવાળી વસ્તુઓ મેદાન પર પહેરી શકાય નહીં. જોકે, બીસીસીઆઈએ આ મામલે ધોનીનું સમર્થન કર્યું છે. બોર્ડની વહિવટી સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે આ મુદ્દે આઈસીસીને જવાબ આપી દીધો છે.

વિનોદ રાયે કહ્યું છે કે અમે અમારા ખેલાડીઓની સાથે છીએ. ધોનીએ ગ્લોવ્ઝ પર જે ચિન્હ પહેર્યું છે તે કોઈ ધર્મનું પ્રતિક નથી કે તે કોમર્શિયલ પણ નથી. જ્યાં સુધી અગાઉથી મંજૂરી લેવાની વાત છે તો અમે આ માટે આઈસીસીને અપીલ કરીશું કે તે ધોનીના ગ્લોવ્ઝ પર તે ચિન્હ લગાવવાની મંજૂરી આપે. બોર્ડ આ માટે શુક્રવારે મુંબઈમાં એક બેઠક બોલાવવાનું છે જેમાં આ અંગે ચર્ચા થશે. આ બેઠકમાં વિનોદ રાય ઉપરાંત બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી સહિત અધિકારીઓ હાજર રહેશે.
ધોનીના ગ્લોવ્ઝ અંગે દેશના રમતગમતની હસ્તીઓએ સમર્થન કર્યું છે. રેસલર યોગેશ્વર દત્તે કહ્યું છે અમને ધોની પર ગર્વ છે અને તેણે સેનાના બલિદાન બેઝવાળા ગ્લોવ્ઝ પહેરવાનું જારી રાખવું જોઈએ. આ ઉપરાંત ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારા સુશીલ કુમાર તથા હોકી ટીમના ભૂતપૂર્વ સુકાની સરદાર સિંઘે પણ ધોનીનું સમર્થન કર્યું છે.ભલે ઘણા દિગ્ગજો ધોનીનું સમર્થન કરી રહ્યા છે પરંતુ ભારતીય ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ સુકાની બાઈચૂંગ ભૂટિયા અલગ મત ધરાવે છે. ભૂટિયાનું કહેવું છે કે રમતના મેદાનમાં રમી રહેલા ખેલાડીઓએ નિયમોને વધારે મહત્વ આપવું જોઈએ. તેણે કહ્યું છે કે નિયમોનું પાલન કરવું જોઈએ. જો આઈસીસી કહે છે કે તેણે ચિન્હ વાળા ગ્લોવ્ઝ ન પહેરવા જોઈએ તો પછી તેણે તેનાથી બચવું જોઈએ. એક ખેલાડી તરીકે ધોનીએ નિયમોનું સન્માન કરવું જોઈએ.