ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની આજે મુંબઈમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના નવા અધ્યક્ષ તરીકે વરણી થઇ છે. તે બીસીસીઆઈના 39મા અધ્યક્ષ બન્યા છે. તે સાથે જ છેલ્લા 33 મહિનાથી સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (સીઓએ)નો પણ અંત આવી ગયો છે. ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ સચિવ અને અનુરાગ ઠાકુરના ભાઈ અરુણ ધુમલ ટ્રેઝરર બન્યા છે.

તે સિવાય ઉત્તરાખંડના મહિમ વર્મા ઉપાધ્યક્ષ અને કેરળના જયેશ જોર્જ સંયુક્ત સચિવ તરીકે ફરજ નિભાવશે.ગાંગુલીને 2000માં મેચ ફિક્સિંગ સ્કેન્ડલ વખતે ભારતીય ક્રિકેટ ટીમની કપ્તાન મળી હતી. આ વખતે બીસીસીઆઈ ખરાબ સમયથી પસાર થઇ રહ્યું છે ત્યારે ગાંગુલી પર બીસીસીઆઈની ઇમેજ સુધારવાની જવાબદારી રહેશે. તેમનો કાર્યકાળ જુલાઈ 2020 સુધી રહેશે. નવા નિયમો અનુસાર કોઈ પણ સદસ્ય આ પદ પર 6 વર્ષથી વધુ સમય રહી શકે નહીં. ગાંગુલી છેલ્લા 5 વર્ષ અને 2 મહિનાથી બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હતા. તે પછી તેમને 3 વર્ષ માટે કૂલિંગ પીરિયડ પર જવું પડશે. મતલબ કે તેઓ ત્રણ વર્ષ માટે રાજ્ય અથવા બીસીસીઆઈના કોઈ પણ પદ પર રહી શકશે નહીં.