STAPLEFORD, ENGLAND - NOVEMBER 08: Prime Minister Boris Johnson reacts as he arrives for a general election campaign visit to George Spencer Academy on November 8, 2019 in Stapleford, near Nottinghamshire, United Kingdom. (Photo by Daniel Leal-Olivas - WPA Pool/Getty Images)

અગ્રણી એશિયન બિઝનેસીઝના અગ્રણી નેતાઓએ સામૂહિક રીતે બોરિસ જ્હોન્સનને સમર્થન આપતો એક પત્ર ‘ગરવી ગુજરાત’ને લખીને કહ્યું છે કે કન્ઝર્વેટિવ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જોબ્સ માટે વ્યવસાયની જરૂરિયાતોને આદર આપે છે અને અર્થવ્યવસ્થા માટે વિકાસનો આવિર્ભાવ કરે છે”.
આગામી ગુરુવારે તા. 12ના રોજ સામાન્ય ચૂંટણી પૂર્વે 100થી વધુ વ્યવસાયી હસ્તીઓનાં જૂથે “યુકેમાં વ્યવસાયોની સુરક્ષાના હિતમાં” પોતાનું સમર્થન વડા પ્રધાનને આપ્યું હતુ. પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં મુખ્યતવે જસમિન્દર સિંઘ (એડવર્ડિયન હોટેલ્સ), સુખપાલ આહલુવાલિયા (ડોમિનવ્સ ગ્રુપ), સુરિંદર અરોરા (અરોરા ગ્રુપ), લોર્ડ ઝમીર ચૌધરી (બેસ્ટવે), કમલેશ અને શૈલેષ ઠકરાર, લોર્ડ રામી રેન્જર (સનમાર્ક) અને ભરત શાહ (સિગ્મા ફાર્માસ્યુટિકલ્સ) છે. તેઓ હોટલ, હોસ્પિટાલિટી, ફાર્માસ્યુટિકલ્સ અને જથ્થાબંધ ઉદ્યોગ જેવા ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે.
હોટેલિયર અરોરાએ ‘ગરવી ગુજરાત’ને જણાવ્યુ હતુ કે “યુકેએ બ્રેક્ઝિટ અને વિશાળ અર્થતંત્ર બંનેની દ્રષ્ટિએ આગળ વધવાની જરૂર છે. લેબરની સૂચિત કરવેરા વૃદ્ધિથી અર્થતંત્ર માટેનું જોખમ બિઝનેસીઝનો બોજ વધારશે અને EU સાથે વાટાઘાટો વધુ અનિશ્ચિતતા પેદા કરશે. હવે બ્રેક્ઝિટ ડીલ તૈયાર છે અને જોબ્સનું સર્જન કરી અર્થતંત્રમાં વૃદ્ધિ માટે વ્યવસાયની જરૂરિયાતોને માન આપતો મેનિફેસ્ટો સામે છે ત્યારે કન્ઝર્વેટિવ સરકાર આ સમયે દેશ માટે પ્રગતિનો માર્ગ છે.”
મંગળવારે જાહેર થયેલા પૉલ મુજબ કન્ઝર્વેટિવ્સે મુખ્ય વિપક્ષ લેબર પરની સરસાઈ વધારીને 12 પોઇન્ટ કર્યા બાદ વેપારીઓ – ઉદ્યોગપતિઓએ તેમને અસાધારણ સમર્થનની જાહેરાત કરી હતી. કંતાર પૉલમાં કન્ઝર્વેટિવ્સને 44 ટકા લોકોનો ટેકો છે જ્યારે લેબર 32 ટકા પર યથાવત છે.
જુલાઇમાં લઘુમતી સરકારનો વહિવટ સંભાળ્યા પછી જ્હોન્સન સંસદમાં વિરોધને કારણે તા. 31 ઓક્ટોબરની બ્રેક્ઝિટની સમયમર્યાદા ચૂકી ગયા હતા. કન્ઝર્વેટિવ્સ ચાર વર્ષમાં જ યોજાયેલી આ ત્રીજી ચૂંટણી જીતે તો જ્હોન્સન બ્રેક્ઝિટ ડીલ ક્રિસમસ પહેલા સાંસદો સમક્ષ મૂકવાની પ્રતિજ્ઞા પૂરી કરી શકશે. તેઓ આશા રાખે છે કે 31 જાન્યુઆરીની આગામી સમયમર્યાદા સુધીમાં બ્રિટન ઇયુથી અલગ થઈ જશે.
કન્ઝર્વેટિવ નેતાએ ગયા મહિને પાર્ટીનો મેનિફેસ્ટો રજૂ કરતા કહ્યું હતું કે “અમે અઠવાડિયા નહીં તો દિવસોમાં આખી વાત પૂરી કરી તા 31 જાન્યુઆરી સુધીમાં બહાર નીકળી જશુ.”
લેબરે બ્રેક્ઝિટ પર નવા લોકમતનું વચન આપ્યું છે અને તેની ટોચની ટીમે કહ્યું છે કે તેઓ ઇયુમાં રહેવા માટે અભિયાન ચલાવશે. તેમ છતાં નેતા જેરેમી કોર્બિને કહ્યું હતું કે તે તટસ્થ રહેશે. લિબરલ ડેમોક્રેટ્સ યુરોપિયન યુનિયન છોડવાનો વિરોધ કરે છે અને આર્ટિકલ 50 રદ કરવા માંગે છે.
‘ગરવી ગુજરાત’ને લખેલા તેમના પત્રમાં બિઝનેસ અગ્રણીઓના જૂથે જણાવ્યું હતું કે, “કન્ઝર્વેટીવ્ઝની સ્પષ્ટ બહુમતી સાથેની સરકાર જ અગાઉની સંસદમાં રહેલી અનિશ્ચિતતા અને વિલંબ દૂર કરી આપણા માટે યુરોપિયન યુનિયનથી અલગ થવાની ખાતરી આપી શકે તેમ છે. એવું થવાથી અમારા જેવા બ્રિટિશ બિઝનેસીઝમાં આત્મવિશ્વાસ ઉભો થશે અને બ્રિટનમાં બિઝનેસીઝ મૂડીરોકાણ કરી શકશે તેમજ દેશને NHS, સ્કૂલ્સ તથા પોલીસ ફોર્સીઝમાં પણ નાણાં અને સંસાધનોના રોકાણી જેવી બીજી મહત્ત્વની પ્રાથમિકતાઓ તરફ ધ્યાન કેન્દ્રીત કરવા દેશે.બ્રિટીશ ઉદ્યોગોને વિદેશમાં નિકાસ અને વેપાર કરવામાં મદદ કરવા માટેની સ્પષ્ટ વ્યૂહરચના સાથે ટેક્સ ઓછો રાખીને, ફ્રી ટ્રેડને વધારીને અને નવા માળખાગત ક્ષેત્રે રોકાણ કરી વૃદ્ધિ લાવવા અને વ્યવસાય ચલાવવા માટે કન્ઝર્વેટીવ યુકેને વિશ્વનુ શ્રેષ્ઠ સ્થાન બનાવવા પ્રતિબદ્ધ છે.
તેની સામે, લેબર પાર્ટીના મૂડીવાદ વિરોધી અને બિઝનેસ વિરોધી વલણ વિષે અમે ખૂબજ ચિંતિત છીએ કારણ કે એણે એવી ચેતવણી આપી છે કે, તે સત્તામાં આવશે તો કોર્પોરેશન ટેક્સ વધારીને 26 ટકા કરી નાખશે અને એ રીતે બિઝનેસીઝ બહારથી યુકે આવવાનું માંડી વાળે તેવું બની શકે.”
બંને પક્ષોએ મોટા પાયે સરકારી ખર્ચ કરવાનુ વચન આપ્યું છે; લેબરે જાહેર રોકાણ અને રાષ્ટ્રીયકરણના કાર્યક્રમની રૂપરેખા આપી છે, તો ટોરીઝે પણ એક દાયકાની તપસ્યાનો અંત લાવવાનું વચન આપ્યું છે.
તેમના ઢંઢેરામાં ટોરીઝે ઓછી અને મધ્યમ આવક ધરાવતા કામદારો માટે કર ઘટાડવાનું વચન આપ્યું છે. શરૂઆતમાં 31 મિલિયન લોકો પ્રતિવર્ષ £100ની બચત કરશે. જ્હોન્સને પણ વચન આપ્યું હતું કે નવી કન્ઝર્વેટિવ સરકાર હેઠળ આવકવેરા, નેશનલ ઇન્સ્યોરન્સ અને વેચાણ વેરો વધશે નહીં. નેશનલ ઇન્સ્યોરન્સનો પ્રારંભિક થ્રેશહોલ્ડ વધીને £9,500 થશે જેને મહત્તમ વધારીને, £12,500 કરાશે. એવું કહેવાય છે કે ઇયુ છોડ્યા બાદ બ્રિટન ભારત સહિતના ઘણા દેશો સાથે ડીલ કરવા માંગે છે.
સત્તામાં આવશે તે લેબરે જાહેર સેવાઓ, તાલીમ અને માળખાકીય સુવિધા માટે £400 બિલિયનના રોકાણ ભંડોળનું વચન આપ્યું છે. ગૂગલ અને એમેઝોન જેવી મલ્ટિનેશનલ કંપનીઓ પર નવો ટેક્સ લાવવામાં આવશે. લેબરે એવી પણ રજૂઆત કરી હતી કે કામદારોને કંપનીના બોર્ડ સભ્યપદનો ત્રીજો ભાગ આપવો જોઇએ. તો મોટી કંપનીઓએ કર્મચારી ભંડોળ માટે 10 ટકા શેર ટ્રાન્સફર કરવું આવશ્યક છે. પાર્ટી એક દાયકામાં પ્રતિ સપ્તાહ 32 કલાક કામ કરવાનો નિયમ લાવશે. રાષ્ટ્રીય લઘુતમ વેતન વધારશે અને જાહેર ક્ષેત્રના કામદારોને તાત્કાલિક પાંચ ટકા પગાર વધારો આપશે.
કન્ઝર્વેટિવ લોકોની મુક્ત અવરજવરનો અંત લાવવા માંગે છે અને ઑસ્ટ્રેલિયન મોડેલના આધારે પોઇન્ટ સિસ્ટમ સાથે યુકેમાં ઈમિગ્રેશનની સંખ્યાને નિયંત્રિત કરવા માંગે છે.