ભારતીય-બ્રિટિશ યુગલ સંદીપ અને રીના મંદેરે વિન્ડસર અને મેઇડનહેડ કાઉન્સિલના સત્તાવાળાઓ સામે બર્કશાયરની ઑક્સફર્ડ કાઉન્ટી કોર્ટમાં દાખલ કરેલા કેસમાં એવો આક્ષેપ કર્યો કે પોતે કોઇપણ વંશ કે ધર્મનું બાળક દત્તક લેવા ઈચ્છતા હોવા છતાં સ્થાનિક એડોપ્શન સર્વિસે સ્થાનિક, બ્રિટિશ ગોરા વાલીઓને પ્રાથમિકતા આપવાના નામે તેમની સાથે ભેદભાવ દાખવ્યો હતો.

બ્રિટનમાં જન્મેલા સંદીપ અને રીના મંદેરે યુકેના ઇક્વાલીટી અને હ્યુમન રાઇટ્સ કમિશનની સહાયથી આ કેસ કર્યો છે. સંદીપ મંદેરે બીબીસીને જણાવ્યું હતું કે “સાંસ્કૃતિક વારસો અને અન્ય બાબતો મહત્વના છે, તેમ છતાં, અમને લાગે છે કે નાણાંકિય સ્થિરતા, દંપતિની વય અને જીવનધોરણ સહિત ઘણાં પરિબળો પર ધ્યાન આપવાની જરૂર છે. સ્થાનિક કાઉન્સિલે માત્ર સાંસ્કૃતિક વારસા પર ધ્યાન આપી અમારી અરજી ધ્યાનમાં લીધી નહોતી.’’

‘’અમે આ બાબતે જાગૃતિ લાવવા માંગીએ છીએ જેથી અન્ય યુગલો સાથે આવુ ન થાય” તેમ પત્ની રીનાએ ઉમેર્યું હતુ. દંપતીએ તેઓ કુદરતી રીતે બાળક પ્રાપ્ત કરવા અસમર્થ હોવાથી પહેલાં IVF ની ઘણી સારવાર કરી હતી જે નિષ્ફળ રહી હતી. કાઉન્સિલે આ આરોપો અયોગ્ય ગણાવ્યા હતા અને તેના વકીલે આ અઠવાડિયે કેસની શરૂઆતમાં કોર્ટને કહ્યું હતું કે સ્થાનિક અધિકારીઓ આક્ષેપો “સ્વીકારતા નથી.

દંપત્તીએ આખરે અમેરિકાથી બાળક દત્તક લીધું હતુ. પરંતુ દરેકને આંતરરાષ્ટ્રીય સ્તરે બાળક દત્તક લેવાનુ પોસાય નહીં તે માટે આ નીતિ બદલવા કાનૂની લડત આપવાનું નક્કી કર્યું છે. આ કેસ ચાર દિવસની સુનાવણી પછી પૂર્ણ થાય તેવી સંભાવના છે.