બ્રિટનની સંસદે ગુરૂવારે આખરે બ્રેક્ઝિટ ડીલને અંતિમ મંજુરી આપી હતી. આ મંજુરી ઐતિહાસિક બની રહે છે કારણ કે બ્રેક્ઝિટની તરફેણ અને વિરોધમાં ચાલેલી દલીલો અને મતભેદોના પગલે દેશની બે સરકારોનો અકાળે અંત આવ્યો હતો અને એ વિષે સમગ્ર દેશ વિભાજિત દેખાતો હતો. યુરોપિયન યુનિયનમાંથી અલગ પડવાના વડાપ્રધાન બોરિસ જ્હોનસનના બ્રેક્ઝિટ ડીલને મંજુરી માટેના ઠરાવની તરફેણમાં 330 વોટ અને તેની વિરૂદ્ધમાં 231 વોટ પડ્યા હતા. 2016ના બ્રેક્ઝિટના જનાદેશ પછીના રાજકિય ડ્રામા અને અંધાધૂંધીના એક નાના છતાં અસાધારણ યુગનો એ સાથે અંત આવ્યો છે.

કેટલાક લોકો બ્રેક્ઝિટ ખૂબજ નુકશાનકારક હોવાનું માને છે, તેમને એવો ડર છે કે, તેનાથી તેમની યુરોપિયન્સ તરીકેની ઓળખ છિનવાઈ જાય છે અને દેશ એકલો અટુલો, ખાસ મહત્ત્વ વિનાનો બની જાય છે. તો બાકીના લોકોએ બ્રેક્ઝિટને ઉત્સાહપૂર્વક આવકાર્યો છે, તેઓ એને બ્રસેલ્સમાં બેઠેલા અધિકારીઓના હાથમાંથી દેશના વહિવટની લગામ પાછી મેળવવાની તક તરીકે જુએ છે અને માને છે કે, બ્રિટન ફરી પોતાની ગુમાવેલી તાકાતમાંથી કઈંક તો પરત મેળવશે જ.

તો યુરોપિયન દેશોના વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ ત્યાંની સરકારોના મતે આ તકલીફ બ્રિટને પોતે ઉભી કરેલી હતી. તેઓને એવી આશા હતી કે, કોઈક રીતે બ્રેક્ઝિટની પ્રક્રિયા રદ થાય. જો કે, ગયા મહિને જનરલ ઈલેક્શન્સમાં બોરિસ જ્હોનસનની આગેવાની હેઠળની ટોરી સરકારનો પ્રભાવશાળી વિજય થયા પછી બ્રેક્ઝિટની આ અનિશ્ચિતતાનો અંત આવ્યો હતો અને આખરે નવી સ્પષ્ટ બહુમતીના પગલે બોરિસ જ્હોનસનના બ્રેક્ઝિટ ડીલને સંસદની અંતિમ બહાલી પણ મળી ગઈ છે.

બ્રેક્ઝિટ ડીલ વિષે ચર્ચા દરમિયાન સંસદમાં સાંસદોની હાજરી પાંખી હતી અને એ સંજોગોમાં કેટલાક વિરોધપક્ષોએ ડીલમાં સુધારાની દરખાસ્ત પણ રજૂ કરી હતી, જો કે, સરકારે આશાનીથી તે ફગાવી હતી. તો બીજી તરફ, સંસદમાં આ ઐતિહાસિક વિજયના સમાચારોની નોંધ પણ સ્થાનિક મીડિયાએ ફક્ત નામમાત્રની લીધી હતી, કારણ કે ગુરૂવારે મીડિયામાં ગુરૂવારે પ્રિન્સ હેરી અને તેની પત્ની મેગન મર્કલે ફ્રન્ટ લાઈન રોયલ ડ્યુટીઝમાંથી ફારેગ થવાનો નિર્ણય લીધો તે મુદ્દો છવાયો હતો.

સરકારના એક પ્રવકતાએ કહ્યું હતું કે, “આપણે 31મી જાન્યુઆરીએ ઈયુથી અલગ થઈ જઈશું. બ્રેક્ઝિટનો અમલ કરવાના ચૂંટણી વખતના વાયદાનું સરકારે આ રીતે પાલન કર્યું છે.” ચૂંટણીમાં કારમો પરાજય થયા છતાં વિરોધ પક્ષ લેબરા ગુરૂવારે બ્રેક્ઝિટ ડીલના ઠરાવની વિરૂદ્ધ વોટિંગ કર્યું હતું. જો કે, નિમાયેલા સભ્યોના બનેલા હાઉસ ઓફ લોર્ડ્ઝ તથા યુરોપિયન સંસદે પણ બ્રેક્ઝિટ ઠરાવને બહાલી આપવાની રહે, એ મળે ત્યારે જ તે અમલી બને. એ જો કે, હવે ફક્ત એક વિધિ જ બની રહેશે.